Loading...

Patan: ઝીલિયા ગેંગવૉર બાદ ઠાકરશીની વધુ એકવાર ભાઈચારા માટે હાકલ, સમાજના યુવાનોને કહ્યું- 'કોઈની લાગણી દુભાય તેવું વર્તન ન કરો'

ઠાકરશી રબારીએ વાળીનાથ મહોત્સવનો દાખલો આપીને રબારી સમાજના યુવાનોને શાંતિનો સંદેશ આપ્યો, કહ્યું- દરબાર અને ઠાકોર સમાજ સાથે આપણા વર્ષો જૂના ભાઈચારાના સબંધો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 27 Mar 2026 06:01 PM (IST)Updated: Fri 27 Mar 2026 06:01 PM (IST)
patan-news-rabari-leader-thakarshi-appeals-for-peace-amid-community-disputes-716662
HIGHLIGHTS
  • વ્યક્તિગત ભૂલ માટે સમગ્ર સમાજ જવાબદાર નથીઃ ઠાકરશી રબારી

Patan: ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રબારી સમાજ, ચૌધરી સમાજ અને ક્ષત્રિય ઠાકોર સમાજ વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈને રબારી અને ચૌધરી સમાજ વચ્ચે ઉણ ગામમાં ઘર્ષણ સર્જાયા બાદ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામમાં મસ્તાની અને વામૈયા ગેંગ વચ્ચે ગેંગવોર થઈ હતી.

આ બન્ને ઘટનાઓને પગલે સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરીને એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યા છે, ત્યારે રબારી આગેવાન ઠાકરશી રબારીએ વધુ એકવાર સમાજના યુવાનોને શાંતિ માટે હાકલ કરી છે.

આ અંગે ઠાકરશી રબારીએ માલધારી સમાજના યુવાનોને જણાવ્યું કે, તમામ સમાજો જોડે ભાઈચારાથી રહેવાની આપણી પરંપરા રહી છે. આપણાથી દરબાર સમાજ, ઠાકોર સમાજ કે અન્ય કોઈ સમાજ સાથેના વ્યહારોને ક્યારેય ઠેસ ના પહોંચવી જોઈએ. માત્ર સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરીને કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવું ના કરવું જોઈએ.

જો કોઈને વ્યક્તિગત સમસ્યા હોય, તો તેના માટે સમગ્ર સમાજ ખરાબ નથી હોતો. જ્યારે વાળીનાથનો મહોત્સવ હતો, ત્યારે સમગ્ર ઠાકોર સમાજ અને રાજપૂત-દરબાર સહિત સમામ સમાજના લોકોએ સતત સેવાઓ આપી હતી. આપણા કોઈ પણ પ્રસંગો હોય, ત્યારે આપણી શોભા વધે તે માટે તમામ સમાજના લોકો મહેનત કરે છે.

આથી ક્યારેય કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટો કોઈએ ના કરવી જોઈએ. જો કોઈ આપણા સમાજનો વ્યક્તિ પણ આવું કરતું હોય, તો તે પણ તેની વ્યક્તિગત જવાબદારી છે. જેમાં સમાજ સામેલ નથી હોતો. દરબાર અને ઠાકોર સમાજ સાથે આપણા વર્ષો જૂના ભાઈચારાના સબંધો છે. આથી મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે કે, ક્યારેય કોઈ સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટો કે વર્તન ના કરશો.

ભાઈચારા અને શાંતિ સાથે એકતાનો દાખલો બનોઃ ઠાકરશી રબારી

અગાઉ લોકપ્રિય ગાયિકા કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા વિવાદ ચગ્યો હતો. જો કે બન્ને સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતાં કિંજલ રબારીને તેના પરિવારને સોંપવામાં આવી હતી. જે બાદ ચૌધરી સમાજ દ્વારા રબારી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર દીકરીને પરત મેળવવા માટે રૂણી ગામમાં મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતુ. આ મહાસંમેલન બાદ ઉણ ગામમાં રબારી અને ચૌધરી સમાજ સામસામે આવી જતાં હિંસક અથડામણ થઈ હતી.

આ સમયે પણ ઠાકરશી રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાના સમાજના યુવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, કોઈ પણ સમાજ ખરાબ નથી હોતો. આ સમયે શાંતિ અને સંયમ જાળવવો ખૂબ જ જરૂરી છે.ચૌધરી અને રબારી સમાજ ભાઈચારાની ભાવનાથી રહેવાવાળા સમાજો છે. આથી ભાઈચારા અને શાંતિ સાથે એકતાનો દાખલો બનો.