Loading...

Patan News: દુકાનની માલિકીને લઈને વેપારીઓમાં વિવાદ વકર્યો, સામસામે ફરિયાદ નોંધાવી

પાટણમાં દુકાનની માલિકીને લઈને વેપારીઓ વચ્ચે ઝઘડો થયો, 30 માર્ચના રોજ બનેલી ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેને લઈને બંને વેપારીઓએ સામસામે ફરિયાદ નોંધાવી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 01 Apr 2026 11:47 AM (IST)Updated: Wed 01 Apr 2026 11:47 AM (IST)
patan-news-jewellers-shop-dispute-traders-police-complaint-719412

Patan: પાટણમાં આવેલા પીપળા શેર વિસ્તારમાં દુકાનની માલિકીને લઈને વેપારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જે અંગે 30 માર્ચના રોજ બનેલી ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે. જેને લઈને બંને વેપારીઓએ સામસામે ફરિયાદ નોંધાવી છે.

વેપારીએ ફરિયાદ નોંધાવી

ફરિયાદી અનિલ શાંતિલાલે પહેલી ફરિયાદ નોંધાવી હતી.પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ 30 માર્ચે સવારના સવા અગિયાર વાગ્યે તેઓ પીપળા શેરી નાકા પાસે આવેલ જવેલર્સ દુકાને પહોંચ્યા હતા. જ્યાં હાજર હેમંત પરીખ અને રવિ ખમારે દુકાન અંગે બોલાચાલી કરી ગાળો આપીને મુક્કા-લાત વડે માર માર્યો હતો.

ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર

ફરિયાદી અનિલભાઈના શરીર પર ઈજાઓ થઈ હતી. તેમના પુત્ર અમિતભાઈએ તેમનો બચાવ કર્યો હતો. તેમજ આરોપીઓએ જતા પહેલા ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 મારફતે પાટણની ધારપુર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આ બનાવને પગલે પોલીસે હેમંત પરીખ અને રવિ ખમાર સામે ફરિયાદ નોધી છે.

સામાપક્ષે ફરિયાદ નોંધાઈ

બીજી બાજુ, હેમંત અશોકકુમાર નંદ લાલે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 30 માર્ચના રોજ સવારે સવા 11 વાગ્યે તેમની દુકાને તેઓ હાજર હતા. જ્યાં અનિલ સોની, અમિત સોની,મયુર સોની અને નિકુંજ સોની આવ્યા હતા. તેમણે દુકાન તેમની હોવાનું કહી હેમંતભાઈ સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ હેમંતભાઈને ઢોર માર મારીને દુકાન બહાર કાઢી મૂક્યા હતા.

4 સામે પોલીસ ફરિયાદ

ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે. જે હુમલામાં ફરિયાદીને ડાબા ખભા અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમને પાટણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાને લઈને પાટણ પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.