Patan: પાટણ જિલ્લાના હારીજ ત્રણ રસ્તા નજીક બેફામ ડમ્પરે છકડોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, છકડાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાટણના માંખરીયા વિસ્તારમાં રહેતો સુનિલ પટણી (32) પોતાના નાના ભાઈ અમિત પટણી (24) સાથે ખેતરમાં વાવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયો હતો. જ્યાંથી બન્ને ભાઈઓ છકડામાં પરત ફરી રહ્યા હતા.
જેવો તેમનો છકડો હારીજ ત્રણ રસ્તા પાસે પહોંચ્યો, ત્યારે પુરપાટ આવતા ડમ્પરે અડફેટમાં લીધો હતો. ડમ્પરની ભીષણ ટક્કરના પગલે છકડોનું પડીકું વળી ગયું હતુ. બીજી તરફ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં મદદ માટે દોડી આવ્યા હતા. જો કે ગંભીર ઈજાના પગલે સુનિલ પટણીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
આ પણ વાંચો
જ્યારે નાના ભાઈ અમિતને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજતા પટણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સુનિલ અને અમિત બન્ને પરિણીત હતા અને મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુનિલના મોતથી તેના 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તો મૃતક અમિતને પણ એક બાળક હોવાનું માલૂમ પડ્યું છે.
