પાટણ 398 કરોડનું મેગા સાયબર ફ્રોડ: 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0'માં કોર્ટે 14 આરોપીઓની જામીન અરજી ફગાવી

પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ પર્દાફાશ કરેલા રૂ. 398.43 કરોડના મેગા કૌભાંડમાં કોર્ટે તમામ 14 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી કડક વલણ અપનાવ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 13 Jun 2026 10:33 AM (IST)Updated: Sat, 13 Jun 2026 10:33 AM (IST)
patan-cyber-crime-398-crore-mule-hunt-bail-rejected

Patan News: રાજય સરકારના 'ઓપરેશ મ્યુલ હન્ટ 2.0' હેઠળ પાટણ સાયબર ક્રાઈમ દ્વારા 398.43 કરોડના ચકચારી મેગા-સાયબર ક્રાઈમ રેકેટે સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે. આ કેસમાં કાયદાનો કોરડો વીંઝતા પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પકડાયેલા તમામ 14 આરોપીઓની જામીન અરજી સદંતર નામંજૂર કરી હતી. ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ એન.વી પઠાણે આ આર્થિક ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની વિપરીત અસરને ધ્યાને રાખી આ સીમાચિહ્નરુપ ચુકાદો આપ્યો છે.

કોર્ટે જામીન નામંજૂર કરવા પાછળ કયા ગંભીર કારણો દર્શાવ્યા?

અદાલતે જામીન અરજીઓ ફગાવતી વખતે દેશમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ અંગે અત્યંત કડક અવલોકનો નોંધ્યા હતા:

  • નજીવી લાલચ અને મોટો ગુનો: આરોપીઓએ માત્ર માસિક કમિશન અને નજીવા આર્થિક લાભ મેળવવાની લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની કીટ, ચેકબુક અને મોબાઈલ સીમકાર્ડ આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોને સોંપી દીધા હતા.
  • નિર્દોષ લોકોની કમાણી લૂંટાઈ: આ ભાડાના ખાતા અને સીમકાર્ડનો ઉપયોગ કરીને દેશભરના અસંખ્ય ભોળા અને નિર્દોષ લોકો સાથે ડિજિટલ છેતરપિંડી આચરવામાં આવી હતી અને તેમની પરસેવાની કમાણી આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાઈ હતી.
  • સમાજ હિતમાં જામીન નહીં: કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો આ આરોપીઓ લાલચમાં ન આવ્યા હોત અને પોતાના ખાતા ન આપ્યા હોત, તો આટલું મોટું કરોડોનું કૌભાંડ થતું અટકી શક્યું હોત. વર્તમાન સમયમાં આવા આર્થિક ગુનાઓ સમાજ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા હોવાથી આરોપીઓને સરળતાથી જામીન પર મુક્ત કરી શકાય નહીં.

કેવી રીતે આચરાતું હતું રૂ. 398 કરોડનું આ મેગા કૌભાંડ?

પાટણ સાયબર ક્રાઈમ પોલીસે કેન્દ્ર સરકારના સમન્વય અને NCCRP પોર્ટલ પરથી કેટલીક શંકાસ્પદ વિગતો મળી હતી. તેના આધારે પોલીસે હારીજ નાગરિક સહકારી બેન્ક લિંમાં ખોલવામાં આવેલા શંકાસ્પદ ખાતાઓની ઉંડી તપાસ કરતાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા.

13 ભાડાના ખાતા અને દેશભરમાં 228 ફરિયાદો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, માત્ર 13 મ્યુલ એકાઉન્ટ્સ મારફતે દેશભરમાંથી આચરેલા સાયબર ફ્રોડના કુલ રૂ. 398.43 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયા હતા. આ જ ખાતાઓ વિરુદ્ધ દેશના જુદા-જુદા રાજ્યોમાં 228 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો પહેલેથી જ નોંધાઈ ચૂકી છે.

કૌભાંડીઓની મોડેસ ઓપરેન્ડી

આ ગેંગના મુખ્ય આરોપીઓ ગ્રામ્ય અને મધ્યમ વર્ગના ભોળા લોકોને માસિક કમિશન આપવાની લાલચ આપતા હતા. ત્યાર પછી તેમના નામે ખોટી ભાગીદારી પેઢીઓ ઊભી કરાવીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. ખાતુ ખુલતાની સાથે જ આરોપીઓ

  • ઓફિશિયલ બેન્ક કિટ અને ઈન્ટરનેટ બેન્કિંગ અને આઈકાર્ડ
  • ચેકબુક અને કોરા સહી કરેલા ચેક મેળવી લેતા હતા

કયા ગુનાના પૈસા આ ખાતામાં આવતા હતા?

આ મ્યુલ એકાઉન્ટ્સનો સીધો ઉપયોગ દેશભરમાં આચરાતા ગંભીર સાયબર ગુના જેવા કે:

  • ડિજિટલ અરેસ્ટ
  • OTP ફ્રોડ
  • સેક્સટોર્શન
  • ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજી