Patan Cyber Crime: ગુજરાતના પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અંદાજે 398 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો ધરાવતું એક આખું સાયબર ફ્રોડ નેટવર્ક પર્દાફાશ થયું છે. આ કૌભાંડમાં હારીજની એક સહકારી બેંકનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે 20 લોકો સામે ગુનો નોંધી 14 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના બાકીના આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
શું છે સમગ્ર મામલો?
પાટણ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે- આ કૌભાંડ ગત 1 જાન્યુઆરી, 2025 થી 07 જૂન, 2026 સુધીના સમયગાળા દરમિયાન આચરવામાં આવ્યું હતું. સાયબર ઠગોએ હારીજની ધી હારીજ નાગરીક સહકારી બેંકને નિશાન બનાવી હતી. આ બેંકમાં કુલ 13 કરંટ અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાંથી સાયબર ક્રાઈમ દ્વારા પડાવવામાં આવેલી રકમને ટ્રાન્સફર કરવા અને સગેવગે કરવા માટે કરવામાં આવતો હતો. સમગ્ર દેશમાંથી આ ખાતાઓ સાથે જોડાયેલી 228 ફરિયાદો નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાઈ હતી.

કેવી રીતે ચાલતું હતું 'મ્યુલ અકાઉન્ટ'નું નેટવર્ક?
ઠગોનું આ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરતું હતું. તેઓ મુખ્યત્વે મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને ટાર્ગેટ કરતા હતા. ખાતાધારકોને તેઓ કાયદેસરનો વેપાર કરતા હોવાનું દર્શાવવા માટે APMCના બોગસ લાયસન્સ અથવા ગુમાસ્તા ધારાના નકલી દસ્તાવેજો બનાવી આપતા હતા. આ દસ્તાવેજોના આધારે બેંકમાં ખાતા ખોલાવ્યા બાદ, બેંકની તમામ વેલકમ કીટ, ATM કાર્ડ, પાસબુક અને નેટ બેંકિંગની સામગ્રી વચેટિયાઓ પોતાની પાસે રાખી લેતા હતા.
આ પણ વાંચો
ઠગો ખાતાધારકો પાસેથી કોરી ચેકબુક પર અગાઉથી સહીઓ કરાવી લેતા હતા અને બેંકિંગ વ્યવહાર માટે ખાતાધારકના નામે જ નવા સીમકાર્ડ ખરીદતા હતા. જેથી તમામ OTP અને વ્યવહારની વિગતો સીધી ઠગો સુધી પહોંચે અને મૂળ ખાતાધારક અંધારામાં રહે. લોકોને દર મહિને 10,000 થી 30,000 રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી આ મ્યુલ અકાઉન્ટ્સ ભાડે લેવામાં આવતા હતા.
માસ્ટરમાઇન્ડ કોણ?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ મૂળ હારીજનો અને હાલ અમદાવાદ રહેતો દિનેશ ઠક્કર છે. પોલીસ અત્યાર સુધીમાં 13 ખાતાધારકો અને અન્ય મદદગારો મળી કુલ 14 આરોપીઓની અટકાયત કરી ચુકી છે. અન્ય 6 આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સાયબર પોલીસની આ કાર્યવાહી બાદ સામાન્ય નાગરિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે પોતાની બેંક ખાતાની વિગતો કે દસ્તાવેજો કોઈ અજાણી વ્યક્તિને લાલચમાં આવીને આપવા નહીં, અન્યથા તે કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
