Patan News: ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને નવી દિલ્હી સ્થિત કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (COA) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પાંચ વર્ષીય ફુલ-ટાઇમ બી.આર્ક. (Bachelor of Architecture) કોર્સ ચલાવવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી અંતર્ગત ચાલુ વર્ષે 40 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાતની માત્ર બે જ સરકારી અનુદાનિત સંસ્થાઓમાં સ્થાન
કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી યુનિવર્સિટીના લાયકાત ધરાવતા પ્રોફેસર્સ, ઉચ્ચ શિક્ષા માળખા અને આધુનિક સુવિધાઓ પર મહોર મારે છે. નોંધવા લાયક બાબત એ છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી અનુદાનિત આર્કિટેક્ચર સંસ્થાઓમાં માત્ર બે જ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) અને હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ કાર્યરત છે.
યુનિવર્સિટીના ઉત્કૃષ્ટ નેતૃત્વનું પરિણામ
આ મહત્વની મંજૂરી મેળવવામાં હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીના ઉચ્ચ વહીવટી મંડળ અને ફેકલ્ટીનો સામૂહિક પ્રયાસ મહત્વપૂર્ણ રહ્યો છે. જેમાં કુલસચિવ ડો. આર. એન. દેસાઇ દ્વારા વહીવટી સ્તરની કામગીરી અને માર્ગદર્શનથી મંજૂરીની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સફળ રહી હતી. ઉપરાંત કુલપતિ પ્રોફેસર ડો. કે. સી. પોરીયા ના ગતિશીલ નેતૃત્વ અને શૈક્ષણિક ગુણવત્તા વધારવાના અથાક પ્રયાસોને આ સફળતાનો મુખ્ય શ્રેય જાય છે.
આ પણ વાંચો
આર્કિટેક્ચર ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક
કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા મંજૂરી મળવાથી ઉત્તર ગુજરાત સહિત રાજ્ય ભરના વિદ્યાર્થીઓ, જેને આર્કિટેક્ટર ક્ષેત્રે પોતાની સુવર્ણ કારકિર્દી બનાવવી છે, તેમના માટે આ ખૂબ જ ઉત્તમ તક છે. જેમાં તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે.
