Loading...

માવઠાના ફટકાને પડકારતા પંચમહાલના ખેડૂતો: 17,850 હેક્ટર નુકસાન છતાં 66 હજાર હેક્ટરમાં કર્યું શિયાળુ વાવેતર

રવિ સિઝન દરમિયાન પંચમહાલમાં 66,445 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું, જેમાં સૌથી વધુ 33,547 હેક્ટરમાં મકાઈનો પાક લેવામાં આવ્યો છે. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 06 Jan 2026 08:38 AM (IST)Updated: Tue 06 Jan 2026 08:38 AM (IST)
rabi-season-66445-hectares-winter-crops-were-sown-in-panchmahal-668821
HIGHLIGHTS
  • પંચમહાલ જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં વધારો
  • ખેડૂતોએ 66 હજાર હેક્ટરમાં કર્યું શિયાળુ વાવેતર
  • સૌથી વધુ 33,547 હેક્ટરમાં મકાઈનો પાક લીધો

Panchmahal winter Cultivation: પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. છતાં ખેડૂતોના હિંમતભર્યા પ્રયાસોથી આ વર્ષે શિયાળુ પાકનું વાવેતર સરેરાશ કરતાં વધુ થયું છે. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે અંદાજે 17,850 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું હતું, છતાં ખેડૂતોને નુકસાનીની કસર કાઢવા 66,445 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ 33,547 હેક્ટરમાં મકાઈનો પાક લેવામાં આવ્યો છે, જ્યારે ઘઉંનું વાવેતર 15,854 હેક્ટરમાં નોંધાયું છે.

રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો

પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી થાય છે. ચોમાસા દરમિયાન જિલ્લામાં લગભગ 1.70 લાખ હેક્ટરમાં ખેતી થાય છે, પરંતુ શિયાળામાં પિયતની સગવડ ઓછી હોવાથી સામાન્ય રીતે વાવેતર ઘટે છે. તેમ છતાં ચાલુ વર્ષે ખેડૂતોએ સરેરાશ ત્રણ વર્ષના 64 હજાર હેક્ટર સામે 4 ડિસેમ્બર સુધીમાં 66,445 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરી નોંધપાત્ર વધારો કર્યો છે.

પિયતની સગવડ ઓછી, છતાં વાવેતર વધુ

ખેતીવાડી અધિકારી એમ. જી. પટેલે જણાવ્યું હતું કે, “પિયતની સગવડ ઓછી હોવા છતાં આ વર્ષે જિલ્લામાં શિયાળુ પાક સરેરાશ કરતાં વધુ થયો છે. ઠંડીમાં વધારો થશે તો ઘઉં સહિતના પાકની ઉપજ સારી થવાની સંભાવના છે.” આગામી દસ દિવસમાં શિયાળુ વાવેતરમાં વધુ વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘઉં, ચણા, મકાઈ, ઘાસચારો અને શાકભાજી મુખ્ય શિયાળુ પાક તરીકે લેવાયા છે. શાકભાજીનું વાવેતર 5,529 હેક્ટરમાં અને ઘાસચારાનું 8,962 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.

ઠંડી ઓછી રહેતા પાક પર અસર થવાની ચિંતા

ખેડૂતોના કહેવા મુજબ ઉનાળા પાક કમોસમી વરસાદથી ફેલ થતા શિયાળુ પાક પર આશા ટકી છે. જોકે નવેમ્બર માસ શરૂ થયો હોવા છતાં ઠંડીની અસર ઓછી રહેતા પાકની વૃદ્ધિ પર અસર થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વાવણી બાદ 7થી 10 દિવસમાં પાકની તપાસણી કરવાની સલાહ આપવામાં આવી છે.

ખેડૂતો જોગ ખાસ સૂચન

અંકુરણ સમાન થયું છે કે નહીં તે જોવું, જ્યાં અંકુરણ ન થયું હોય ત્યાં રી-સીડિંગ કરવું, ખેતરમાં પાણી ભરાઈ રહે તો તરત નિકાલ કરવો તેમજ ભેજ રહે પણ કાદવ ન થાય તેનું ધ્યાન રાખવા સૂચન કરવામાં આવ્યું છે. પાન પીળા પડતા, સુકાઈ જતા કે ડાઘ દેખાય તો તાત્કાલિક કૃષિ નિષ્ણાતની સલાહથી દવાનો છંટકાવ કરવા પણ જણાવાયું છે.