Panchmahal Rain: ગુજરાતમાં હજુ સુધી નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન નથી થયું, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડ્યો છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના 51 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી પંચમહાલના તમામ તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે.
51 તાલુકા વરસાદથી તરબોળ, ખેડાના ગલતેશ્વરમાં સૌથી વધુ 3 ઈંચ ખાબક્યો
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 74 મિ.મી. (2.9 ઈંચ) વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય પંચમહાલના કાલોલમાં 64 મિ.મી (2.5 ઈંચ), ગોધરામાં 63 મિ.મી (2.4 ઈંચ), મોરવા હડફમાં 48 મિ.મી (1.8 ઈંચ), ઘોઘંબામાં 43 મિ.મી (1.6 ઈંચ) જાંબુઘોડામાં 17 મિ.મી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો
હિટાચી મશીન સાથે બે ઓપરેટર ફસાયા
આજે પંચમહાલમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીકથી પસાર થતી કરાડ નદીમાં પૂર આવ્યું હતુ. આ સમયે નદીમાં પૂલના નિર્માણ માટે કામ કરી રહેલા બે ઓપરેટરો પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. જેઓ જીવ બચાવવા માટે હિટાચી મશીનના છત પર જીવ મુઠ્ઠીમાં રાખીને બેસી ગયા હતા.
આ બાબતની જાણ થતાં કાલોલ અને હાલોલ નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં સતત 5 કલાક સુધીના રેસ્ક્યુ ઑપરેશનના અંતે બન્ને ઑપરેટરોને હેમખેમ કિનારે લાવવવામાં આવ્યા હતા.
બોડેલીમાં સવા 2 ઈંચ વરસાદથી હાલોલ રોડ પરનું ડાવર્ઝન ધોવાયું
પંચમહાલ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પણ સવા 2 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે બોડેલી-હાલોલ રોડ પર આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતુ. જેના કારણે બોડેલી-હાલોલ વચ્ચેનો રોડ વાહન વ્યવહાર માટે ઠપ્પ થઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતના 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
આજે રાજ્યના 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલ અને છોટા ઉદેપુર સિવાય વડોદરાના ડેસર તાલુકામાં પણ 33 મિ.મી (1.3 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય નર્મદાના તિલકવાડામાં 25 મિ.મી, દાહોદના ફતેપુરામાં 24, સંજેલીમાં 21 મિ.મી. તેમજ સુરતના કામરેજમાં 20 મિ.મી વરસાદ પડ્યો છે.
