પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર: જાંબુઘોડામાં બે દિવસમાં 6 ઈંચ, ખેડૂતોમાં ખુશીની લહેર

પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે ભારે વરસાદ થયો છે, જેનાથી નદી-નાળામાં નવા નીર આવ્યા અને ખેડૂતો ખુશ થયા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 12:11 PM (IST)Updated: Sat, 20 Jun 2026 12:11 PM (IST)
panchmahal-chhotaudepur-districts-heavy-monsoon-rain-farmers

Gujarat monsoon: રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળામાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

જાંબુઘોડામાં જળબંબાકાર

જાંબુઘોડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે પોણા ત્રણ ઈંચ વરસાદ બાદ આજે સતત બીજા દિવસે 24 કલાકમાં વધુ 4 ઈંચ (97 mm) વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે 4 થી 6 વાગ્યાના ગાળામાં જ 45 mm વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. બે દિવસમાં કુલ 6 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નદી-નાળા અને કોતરો બે કાંઠે વહેતા થયા છે. ઝબાણ, હીરાપુર, વાવ અને જાંબુઘોડા નગરમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું.

Panchmahal Chhotaudepur rain

હાઈવે પર વૃક્ષ પડતા અકસ્માત ટળ્યો

ભારે વરસાદને પગલે હાલોલ-બોડેલી નેશનલ હાઈવે પર નારુકોટ આશ્રમ પાસે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે, તે સમયે પસાર થઈ રહેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી લક્ઝરી બસના ચાલકની સમયસૂચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી હતી અને પર્યટકોનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ ઘટનાને કારણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. આ ઉપરાંત, ખાખરીયા ગામ પાસે નવનિર્મિત બ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે બનાવેલું કાચું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું.

નસવાડી અને ગોધરામાં રાહતનો વરસાદ

નસવાડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા, ત્યારે શુક્રવારે મળસ્કે 4 થી 8 વાગ્યા સુધી થયેલા વરસાદે લોકોને મોટી રાહત આપી છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે.

ગોધરામાં પણ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન છે. શુક્રવાર સવાર સુધીમાં ગોધરામાં કુલ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાના હોદ્દેદારોએ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધતા પાકના વિકાસને ગતિ મળશે અને પાણીના સ્ત્રોતોમાં વધારો થતા લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી પણ રાહત મળશે.