Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલી ટુવા ચોકડી નજીક એસ.ટી. બસે ડબલ સવારી બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય યુવકને નાની-મોટી ઈજા પહોંચી છે.
મરણ પ્રસંગમાં વિધિ પતાવીને પરત ફરતી વખતે કાળ ભરખી ગયો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોધરા તાલુકાના વિઝોરા ગામમાં રહેતો મનહરસિંહ સોલંકી (30) પોતાના મિત્ર સાથે ટુવા ગામમાં મરણ પ્રસંગે ગયો હતો. જ્યાંથી સામાજિક વિધિ પતાવીને બન્ને મિત્રો બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. જેવું તેમનું બાઈક ટુવા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે સામેથી આવતી દાહોદ-મોરબી રુટની એસટી બસના ડ્રાઈવરે પુરપાટ હંકારીને બાઈકને ઉલાળ્યું હતુ.
એસ.ટી. બસની ટક્કરથી બાઈક સવાર બે યુવકો ફૂટબોલની માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેમાં મનહરસિંહને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતુ. જુવાનજોધ દીકરાનું અવસાન થતાં સોલંકી પરિવાર તેમજ વિઝોરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.
આ ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોએ કાકણપુર પોલીસ પર પક્ષપાતી વલણ અપનાવતી હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું કે,પોલીસે એસ.ટી. બસના ડ્રાઈવરની ફરિયાદ નોંધી છે. જેમાં બાઈક ચાલક બેદરકારીપૂર્વક બાઈક હંકારતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજી તરફ કાંકણપુર પોલીસ મથકના PIએ જણાવ્યું કે, અકસ્માતના કેસમાં એક જ ફરિયાદ નોંધવાની હોય છે. જેમાં અમે એસટી બસના ડ્રાઈવર મોહનસિંહ ચાવડા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ નોંધીને ઘટના સ્થળના CCTV ફૂટેજ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું. આ ઘટનામાં કસૂરવાર કોઈને પણ છોડવામાં નહીં આવે.
