Panchmahal: ગોધરા-અમદાવાદ હાઈવે પર કાળમુખી કારે બાઈકને ઉલાળ્યું, ફૂટબૉલ માફક ફંગોળાઈને નીચે પટકાયેલા 3ના મોત

ટક્કર એટલી ભયાનક હતી કે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ બાઈકના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 10 May 2026 04:02 PM (IST)Updated: Sun, 10 May 2026 04:02 PM (IST)
panchmahal-news-car-hits-triple-rider-bike-on-ahmedabad-godhara-highway-3-killed

Panchmahal Accident: પંચમહાલ જિલ્લામાં ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ જતી કારે ત્રિપલ સવારી જઈ રહેલા બાઈકને ઉલાળતા બાઈક પર સવાર ત્રણેય યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બાઈક પર સવાર ત્રણ મિત્રો ગોધરા-અમદાવાદ હાઈવે પર વાવડી ખુર્દ ગામ નજીક આવેલ ચામુંડા હોટલ પાસેથી બાઈક પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે સામેથી માંતેલા સાંઢની માફક ધસી આવેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારીને ઉલાળ્યું હતુ. કારની ટક્કરથી બાઈક પર સવાર ત્રણેય મિત્રો હવામાં ફંગોળાઈની નીચે પટકાયા હતા.

બાઈકના ફૂરચેફૂરચા ઉડ્યા, તો કારના આગળના ભાગનો કચ્ચરઘાણ

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અથડાયા બાદ કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે બાઈકના પણ ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ કારનો સવાર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તેમજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ વિશાલ પરમાર (20), જયદીપ વણકર (17) બન્ને રહે. દરૂણિયા ગામ અને નરેન્દ્ર પરમાર (ઉં.35, રહે. સામલી બેટીયા ગામ) તરીકે થઈ છે. પોલીસે અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા કારચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.