હાલોલમાં મામી-ભાણા વચ્ચેના પ્રેમસબંધની શંકામાં ખૂની ખેલઃ પતિએ પુત્રીની નજર સામે જ પત્નીને રહેંસી નાંખી; હત્યારા મામાનું સરેન્ડર

માથે ખૂન સવાર થતાં પતિએ પત્નીનું ગળું દબાવી દીધુ હતુ. આ સમયે પુત્રી બચાવવા માટે આજીજી કરતી હતી, પરંતુ આવેશમાં પિતાએ છરો લાવીને આડેધડ ઘા ઝીંકી દેતા પત્ની લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Jun 2026 05:01 PM (IST)Updated: Tue, 09 Jun 2026 05:01 PM (IST)
panchmahal-news-wife-murder-due-to-extra-marital-affairs-husband-surender-to-police-at-halol
HIGHLIGHTS
  • પત્ની અને ભાણા વચ્ચેની વાંધાજનક ચેટ મળી આવતા ઉગ્ર ઝઘડો થયો હતો

Panchmahal: હાલોલ-ગોધરા રોડ પર આવેલી યમુનાજીનગર સોસાયટીમાં મામી અને ભાણા વચ્ચેના પ્રેમસબંધની શંકામાં ખૂની ખેલ ખેલાયાની ઘટના સામે આવી છે. જેમાં મામી અને ભાણાની ચેટ પકડાઈ જતાં ઉશ્કેરાયેલા પતિએ સગીર દીકરીની નજર સામે જ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. જે બાદ હત્યારા પતિએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.

દીકરી આજીજી કરતી રહી, પણ ખૂન સવાર હતું

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હાલોલમાં રહેતા પૃથ્વીરાજ ચૌહાણ સ્ક્રેપના ગોડાઉનમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની દીપિકા એક પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતી હતી. આ દંપતીને 18 વર્ષનો એક પુત્ર અને 14 વર્ષની એક પુત્રી છે.

આ સુખી સંસારમાં વિખવાદ ત્યારે શરૂ થયો જ્યારે વડોદરામાં રહેતો પૃથ્વીરાજનો સગો ભાણો આકાશ ચૌહાણ કામના બહાને અવારનવાર મામાના ઘરે હાલોલ આવવા લાગ્યો હતો. આ દરમિયાન મામી દીપિકા અને ભાણા આકાશ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

પતિ પૃથ્વીરાજના હાથમાં પત્ની અને ભાણા વચ્ચેની વાંધાજનક મોબાઈલ ચેટ આવી જતાં ઘરનો કંકાસ ઉગ્ર બન્યો હતો. ઘટનાના દિવસે ગુસ્સે ભરાયેલા પૃથ્વીરાજે પહેલાં પત્નીનું ગળું દબાવ્યું હતું. આ સમયે 14 વર્ષની દીકરી પિતા સામે કરગરી રહી હતી અને માતાનો જીવ બચાવવા આજીજી કરતી રહી હતી, પરંતુ પિતા પર ખૂન સવાર હતું.

ગળું દબાવ્યા બાદ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા

ગળું દબાવ્યા બાદ પણ પત્ની દીપિકાના શ્વાસ ચાલુ જણાતા, હેવાન બનેલા પતિએ ઘરમાંથી છરો (ચપ્પુ) લાવી પત્ની પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પિત્તો ગુમાવેલી હાલતમાં જ સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી શરણાગતિ સ્વીકારી હતી.

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતા જેલના સળિયા પાછળ ધકેલાયો છે.