Loading...

Panchmahal: બોરીયાવી ગામમાં ઝઘડામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાની હત્યા, 3 આરોપીઓની ધરપકડ

ફળીયામાં રહેતી યુવતીને મૃતકના પુત્ર સાથે આડાસબંધ હોવાની શંકા રાખીને તેના પરિવારજનોએ ઝઘડો કર્યો હતો. એવામાં યુવતીના પિતાએ લાકડી લમણામાં ફટકારતા મૃતક ઢળી પડ્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 06 Mar 2026 11:44 PM (IST)Updated: Fri 06 Mar 2026 11:44 PM (IST)
panchmahal-news-father-killed-while-trying-to-save-son-in-boriyaavi-village-clash-704066
HIGHLIGHTS
  • વૃદ્ધને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાયા જ્યાં તેમનું મોત થયું

Panchmahal: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામે દિકરી સાથે આડા સંબંધની શંકાને લઈને થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા 63 વર્ષીય વૃદ્ધની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે યુવતીના પિતા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરા તાલુકાના બોરીયાવી ગામના પટેલ ફળીયામાં રહેતા નટુભાઈ વજાભાઈ ડાભીને શંકા હતી કે, ગામમાં રહેતા સુભાષ નામના યુવકના તેની પુત્રી સાથે આડા સંબંધ છે. આ શંકાને લઈને નટુભાઈ અન્ય બે વ્યક્તિઓ સાથે સુભાષના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો શરૂ થયો હતો.

આ દરમિયાન નટુભાઈ અને અન્ય વ્યક્તિઓ દ્વારા સુભાષને માર મારવામાં આવી રહ્યો હતો. ઝઘડો વધતા સુભાષનો ભાઈ ગણપતભાઈ અને તેના પિતા અમરસિંહ વચ્ચે પડ્યા હતા અને યુવકને છોડાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી.

ઝપાઝપી દરમિયાન આરોપી નટુભાઈ વજા ડાભી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે લાકડી વડે અમરસિંહના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. ફટકો જમણી આંખ ઉપર લમણા ભાગે વાગતા અમરસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. આ ઘટનાના બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત અમરસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર માટે તેમને વડોદરા લઈ જવાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ત્રણેય આરોપીઓને મોરવા હડફ તાલુકા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.