Loading...

Panchmahal: CM પટેલના હસ્તે રૂ. 732 કરોડના પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, પાનમ જળાશય યોજના લાવશે સિંચાઈથી સમૃદ્ધિ

પાનમ જળાશય આધારિત યોજનાથી પંચમહાલ જિલ્લાના 79 ગામોને સિંચાઈનો લાભ મળશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 15 Mar 2026 03:23 PM (IST)Updated: Sun 15 Mar 2026 03:23 PM (IST)
cm-patel-inaugurated-development-work-and-panam-reservoir-project-in-panchmahal-708620
HIGHLIGHTS
  • પંચમહાલમાં ₹732 કરોડના વિકાસકામોનું લોકાર્પણ 
  • CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • મુખ્યમંત્રીનું આદિજાતિ સંસ્કૃતિ-પરંપરા મુજબ સ્વાગત

CM Patel Panchmahal visit: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રવિવારના રોજ પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના કેશવ ગ્રાઉન્ડથી પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી છે. મુખ્યમંત્રી પટેલના હસ્તે પંચમહાલમાં રૂપિયા 732 કરોડના કુલ 112 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, વિકાસની મુખ્ય ધારામાં છેવાડાના માનવીને જોડવો એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. સમગ્ર આદિવાસી પટ્ટીમાં સુખનો સૂરજ લાવવા માટે સરકાર દ્વારા રૂ. 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

ખેડૂતો માટે સિંચાઈની સુવિધામાં વધારો

આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે પાણીના સુદ્રઢ આયોજનથી વિકાસની નવી દિશા આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. પાનમ જળાશય આધારિત યોજનાથી પંચમહાલ જિલ્લાના 79 જેટલા ગામોમાં સિંચાઈનું પાણી પહોંચશે અને સમૃદ્ધિ આવશે.

આ ઉપરાંત, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઉદવહન સિંચાઈ યોજના મારફતે 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે રીમોટ કંટ્રોલથી વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા તકતી અનાવરણ કર્યું હતું.

આરોગ્ય સેવાઓ થશે વધુ મજબૂત

અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે જ શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. યુવા ડોક્ટરો આદિજાતિ વિસ્તારમાં પોતાની હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે રાજ્યના બજેટમાં રૂ. 22 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાંથી આ વિસ્તારોમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલની સંખ્યામાં વધારો થશે.

પાવાગઢ અને પંચમહાલના ઐતિહાસિક વારસાને નમન

આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચમહાલની પાવન ધરતી પર બિરાજમાન પાવાગઢ શક્તિપીઠ અને મહાકાળી માતાના ચરણોમાં વંદન કર્યા હતા. CM પટેલે જણાવ્યું કે, 500 વર્ષ બાદ પાવાગઢ પર થયેલ ધ્વજારોહણ એ આસ્થા અને વિકાસના સમન્વયનું ઉત્તમ પ્રતીક છે.

વધુમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજ, ઠક્કરબાપા, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના પંચમહાલ સાથેના અતૂટ જોડાણને યાદ કરીને આઝાદીની લડતમાં જિલ્લાના નોંધપાત્ર ફાળાનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લામાં થયેલ વિકાસની સફર અને ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયેલ વિભાગોની માહિતી આપતી બે ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પંચમહાલ જિલ્લાની આદિજાતિ સંસ્કૃતિ અને પરંપરા મુજબ વિવિધ સ્મૃતિચિહ્નો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.