Loading...

Panchmahal: ઘોઘંબામાં બુટલેગરો બેખૌફ, વિદેશી દારૂની હેરાફેરી અટકાવતા PSI પર બાઈક ચડાવી દીધી

PSI પર હુમલો કર્યા બાદ નાસવા જતાં બુટલેગરે પણ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ધડાકાભેર ઝાડ સાથે ભટકાયું. બુટલેગરને પણ ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 17 Jan 2026 06:50 PM (IST)Updated: Sat 17 Jan 2026 06:50 PM (IST)
panchmahal-news-bootlegger-attack-on-rajgadh-psi-near-khadapa-village-675740
HIGHLIGHTS
  • બુટલેગરના હુમલામાં PSIને હાથ-પગમાં ઈજા પહોંચી
  • PSIને સારવાર માટે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

Panchmahal: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખડપા ગામ નજીક વિદેશી દારૂની હેરાફેરી રોકવા ગયેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવમાં રાજગઢ પોલીસ મથકે ફરજ બજાવતા PSI એસ.એમ. ડામોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજગઢ પોલીસ સ્ટેશનના PSI એસ.એમ. ડામોર ખડપા ગામ નજીક વોચમાં ઊભા હતા. તે દરમિયાન મહેશ રાઠવા નામનો એક બુટલેગર વિદેશી દારૂ ભરેલી બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.

PSI ડામોરે શંકાસ્પદ રીતે પસાર થતી બાઇકને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસ અધિકારી પર બાઇક ચઢાવી દીધી. અચાનક થયેલા આ હુમલામાં PSI ડામોરને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટના બાદ આસપાસના લોકો અને પોલીસ સ્ટાફે તાત્કાલિક મદદ પહોંચાડી PSI ડામોરને ગોધરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર ચાલુ છે.

PSI પર હુમલો કર્યા બાદ ફરાર થવાનો પ્રયાસ કરતા બુટલેગર મહેશ રાઠવા પોતાની બાઇક પરથી કાબૂ ગુમાવી નજીકના ઝાડ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં તેને પણ ઇજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસની નજર હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે ઘટનાસ્થળેથી આશરે એક લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. રાજગઢ પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગર મહેશ રાઠવા વિરુદ્ધ વિદેશી દારૂની હેરાફેરી તેમજ ફરજ બજાવતા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં કડક કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે પંચમહાલ જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે, જ્યારે પોલીસ વિભાગ દ્વારા દારૂબંધી અમલમાં વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.