Panchmahal News: ગોધરામાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક ઉમેદવારનું મોત થયું છે. છોટાઉદેપુર જિલ્લાનો 27 વર્ષીય જશપાલસિંહ રાઠવા રનિંગ ટેસ્ટ આપી રહ્યો હતો. જે વખતે શ્વાસની તકલીફ થતા મેદાન પર જ ઢળી પડ્યો હતો. સારવાર મળે તે પહેલા જ પિતાની નજર સામે તેનું મોત થયું હતું. જશપાલના મોતથી પિતાનું પુત્રને પોલીસ બનતો જોવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું હતું. પિતાના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બનાવની પ્રાપ્ત માહિતી અનસુાર, રાજ્યમાં વિવિધ સ્થળે પોલીસ ભરતી માટે શારિરીક કસોટી લેવામાં આવી રહી છે. ગોધરામાં આવેલા એસ.આર.પી. ગ્રુપ-5 ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાગ લેવા માટે છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના કોલીયારી ગામનો જશપાલસિંહ દશરથભાઇ રાઠવા પિતા સાથે આવ્યો હતો.
જશપાલસિંહ સવારે રનિંગ ટેસ્ટ આપી રહ્યો હતો. જે દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલિફ પડી હતી અને તે બેભાન થઇને ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો. એ વખતે તેના પિતા પણ હાજર હતા. જશપાલ ઢળી પડતા હાજર સ્ટાફ દોડી ગયો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
પુત્રના મોત બાદ પિતા દશરથભાઇ રાઠવા આઘાતમા સરી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દીકરો ખુશીથી પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યો હતો અને તેની સાથે હું પણ આવ્યો હતો. મારું એકમાત્ર સ્વપ્ન હતું કે મારો દીકરો પોલીસ બનીને દેશની સેવા કરે પરંતુ હવે એ સ્વપ્ન અધુરુ રહી ગયું છે. એ કાયમ માટે અમને છોડીને જતો રહ્યો.
