Loading...

Panchmahal: હાઈટેન્શન લાઈન સાથે લટકતી ચાઈનીઝ દોરી પકડતાં જ 7 વર્ષની બાળકીને કરંટ લાગ્યો, જોરદાર ઝાટકાથી એક આંગળી અલગ થઈ ગઈ

નડિયાદ ફતેપુરા કેનાલ નજીક રમી રહેલી બાળકીને બાઈકે અડફેટે લેતા ફૂટબૉલ માફક ફંગોળાઈને નીચે પટકાતા મોતને ભેટી. અકસ્માત સર્જી ભાગવા જતાં બાઈક ચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 11 Jan 2026 10:32 PM (IST)Updated: Sun 11 Jan 2026 10:32 PM (IST)
panchmahal-news-7-years-old-girl-electric-shock-due-to-chinese-thread-at-sanpa-village-of-godhara-672447
HIGHLIGHTS
  • ગોધરા તાલુકાના સાંપા ગામમાં ઉત્તરાયણ પૂર્વે બનેલા બનાવથી અરેરાટી
  • શરીરે દાઝી ગયેલી બાળકીને ગંભીર હાલતમાં SSGમાં રીફર કરાઈ

Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંપા ગામમાં ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના કારણે એક બાળકીનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાંપા ગામમાં રહેતા રાજેશભાઈની 7 વર્ષની દીકરી કિંજલ પોતાના ઘર આંગણે અન્ય બાળકો સાથે રમતી હતી. આ સમયે ઘર ઉપરથી હાઈ ટેન્શન વીજ લાઈનમાં ફસાયેલી ચાઈનીઝ દોરીનો છેડો નીચે લટકી રહ્યો હતો. નીચે રમી રહેલી કિંજલ ચાઈનીઝ દોરીના સંપર્કમાં આવી જતાં તેના શરીરમાં પણ કરંટ ઉતર્યો હતો.

વીજળીનો ઝાટકો લાગતા જ કિંજલે ચીસાચીસ કરી મૂકી હતી. જે સાંભળીને તેના માતા-પિતા દોડી આવ્યા હતા. જેમણે નજીકમાં પડેલા લાકડાની મદદથી કિંજલને દૂર હડસેલીને બચાવી લીધી હતી. જો કે કરંટના કારણે કિંજલ ગંભીર રીતે દાઝી ગઈ હતી, તેમજ તેના ડાબા હાથની એક આંગળી કપાઈને અલગ થઈ ગઈ હતી.

જે બાદ બાળકીને સારવાર અર્થે તાત્કાલિક ગોધરા સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીની ગંભીર હાલતને જોતા તેને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

નડિયાદમાં સ્પોર્ટ્સ બાઈકની અડફેટે 7 વર્ષની બાળકીનું મોત
નડિયાદ શહેરની ફતેપુરા કેનાલ પાસે રોડની સાઈડમાં 7 વર્ષની બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન એક યુવક પુરપાટ ગતિએ પોતાનું સ્પોર્ટ્સ બાઈક હંકારીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જો કે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાળકીને ટક્કર મારી હતી. જેના કારણે બાળકી ફૂટબોલ માફક ફંગોળાઈને નીચે પટકાઈ હતી.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમણે ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બીજી તરફ અકસ્માત બાદ ફરાર થવાનો પ્રયાસ કરી રહેલા બાઈક ચાલકને સ્થાનિકોએ પકડીને પોલીસને હવાલે કર્યો છે. હાલ તો પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.