Panchmahal Accidents in 2025: પંચમહાલ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધતી જતી હોવાના કારણે ગંભીર ચિંતા ઉભી થઈ છે. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસના અભિયાનની શરૂઆત થઈ હોવા છતાં જિલ્લામાં અકસ્માતના બનાવોમાં ઘટાડાને બદલે વધારો નોંધાઈ રહ્યો છે.
વર્ષ 2025 માં અકસ્માતોની સંખ્યા વધી
આંકડા જોવામાં આવે તો વર્ષ 2024માં જિલ્લામાં કુલ 581 માર્ગ અકસ્માત નોંધાયા હતા, જેમાં 316 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે વર્ષ 2025 માં અકસ્માતોની સંખ્યા વધીને 603 પર પહોંચી છે, જેમાં 277 વ્યક્તિઓના મોત થયા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે 2024 ની તુલનામાં 2025 માં અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
અકસ્માતોનું મુખ્ય કારણ શું?
પંચમહાલ જિલ્લામાં વધતા અકસ્માતો માટે મુખ્ય કારણ ટ્રાફિકના નિયમોનું પાલન ન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવાના કારણે ગંભીર ઇજાઓ અને મોતના બનાવો વધી રહ્યા છે. અંદાજે 90 ટકા ટુ-વ્હીલર અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરનાર ચાલકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. હેલ્મેટ ફરજિયાત હોવા છતાં અનેક વાહનચાલકો આ નિયમને અવગણે છે.
આ પણ વાંચો: Panchmahal News: જાંબુઘોડા-બોડેલી હાઈવે પર કાળમુખું જેસીબી નિવૃત વન કર્મચારીનો કાળ બન્યું
હાલોલ-ગોધરા હાઈવે સૌથી જોખમી
પંચમહાલ જિલ્લામાં હાલોલથી ગોધરા હાઈવે અકસ્માતની દ્રષ્ટિએ સૌથી વધુ જોખમી બન્યો છે. આ માર્ગ પર ડિવાઈડર પર ગેરકાયદેસર રીતે બનાવાયેલા કટ્સ અકસ્માતોને આમંત્રણ આપે છે. લાંબો ફેરો બચાવવા માટે વાહનચાલકો આવા ગેરકાયદેસર કટમાંથી વાહન પસાર કરતા હોવાથી અચાનક ટક્કર અને જાનહાનીના બનાવો બને છે. હાલોલથી ગોધરા વચ્ચે ડિવાઈડર પર પાંચથી વધુ ગેરકાયદેસર કટ બનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
માર્ગ પરના ગેરકાયદેસર કટ લેશે ભોગ
આ ઉપરાંત, હાલોલ અને કાલોલના ઔદ્યોગિક વિસ્તારોમાંથી કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહેલા કામદારો ઉતાવળમાં પુરપાટ વાહન હંકારતા અકસ્માતનો ભોગ બને છે. હોટલ, પેટ્રોલપંપ અને ગામડાઓમાં જવા માટે પણ ગેરકાયદેસર કટ બનાવવામાં આવતા જોખમ વધી રહ્યું છે.
ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ જરૂરી
ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ કરી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ વાહનચાલકો દંડ ભરવા તૈયાર છે, જીવન બચાવનાર નિયમો અપનાવવા તૈયાર નથી. જો તંત્ર દ્વારા હેલ્મેટના કડક અમલ સાથે ગેરકાયદેસર કટ દૂર કરવામાં આવે અને વાહનચાલકો ટ્રાફિક નિયમોની ગંભીરતા સમજે, તો અકસ્માતોની સંખ્યા ઘટાડવી શક્ય બની શકે છે.
