Minister Ramesh Katara in Panchmahal: પંચમહાલ જિલ્લામાં ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંચ પરથી સંબોધન કરતા કૃષિ મંત્રીએ શિક્ષકોને આડે હાથ લીધા હતા.
'તમામ લાભો મેળવ્યા બાદ પણ ભૂખ ભાગતી નથી'
કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકોના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, "શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભ મેળવી લીધા છે, તેમ છતાં તેમની ભૂખ ભાગતી નથી. ઉચ્ચ પગાર અને તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શન કરતા રહે છે."
કૃષિ મંત્રી રમેશ કટારાએ આક્ષેપ કરતા વધુમાં ઉમેર્યું કે, આટલો મોટો પગાર લેવા છતાં શિક્ષકો પૂરતું કામ કરવા તૈયાર નથી. કૃષિ મંત્રી રમેશ કટારાએ આ મુદ્દે હળવા અંદાજમાં કહ્યું હતું કે, વડીલોને પૂછો જેઓ માત્ર પાંચસો-હજારમાં નોકરી કરતા હતા.
આ પણ વાંચો
વર્ગખંડમાં મોબાઈલનો ઉપયોગ પર કડક વલણ
કૃષિ મંત્રી રમેશ કટારાએ વર્ગખંડના વાતાવરણ અને શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહે છે. આમ કૃષિ મંત્રીએ શિક્ષકોની માનસિકતા તેમજ કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.
નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો પણ ઉપસ્થિત હતા. શિક્ષકોની હાજરીમાં જ સરકારના એક જવાબદાર મંત્રી દ્વારા જાહેરમાં આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવતા, હવે આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે.
