મધ્ય ગુજરાતમાં મેઘમહેર: પંચમહાલમાં જળબંબાકાર, કાલોલમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

પંચમહાલના કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 08:53 AM (IST)Updated: Fri, 19 Jun 2026 08:53 AM (IST)
central-gujarat-rain-panchmahal-kalol-heavy-rainfall-flood

Central Gujarat Rain: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. રાજ્યના 59 તાલુકાઓમાં વ્યાપક વરસાદને પગલે સર્વત્ર પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે. જોકે, આ મેઘમહેર પંચમહાલ જિલ્લા માટે આફત સમાન બની છે. પંચમહાલના કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

હાઈવે બંધ અને તંત્ર એલર્ટ

ધોધમાર વરસાદને કારણે હાલોલ-બોડેલી મુખ્ય હાઈવે પર ખાખરીયા પાસે આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેનાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે પંચમહાલ પંથક માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. લુણાવાડા, દાહોદ અને ગોધરા સહિતના વિસ્તારોમાં 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ગોધરામાં 2.36 ઈંચ અને ઘોઘંબામાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે.

central-gujarat-rain-news-19-06-1

વ્યાપક વરસાદથી વાતાવરણમાં ઠંડક

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વડોદરા ઉપરાંત નડિયાદમાં 2 ઈંચ અને શહેરામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ અને આસપાસના વિસ્તારોમાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થતા જળાશયોમાં નવા નીર આવ્યા છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો મોરવા અને જાંબુઘોડામાં 1.5 ઈંચ તેમજ ધંધુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં આનંદની લહેર

ભારે વરસાદને લીધે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવા છતાં, ખેડૂતો માટે આ મેઘમહેર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વરસાદ સાર્વત્રિક અને વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચોમાસાની આ શરૂઆતથી ખેતીના પાકને નવું જીવન મળતા ખેડૂતો વાવણીના કામમાં જોતરાયા છે.

central-gujarat-rain-news-19-06-2

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વડોદરા, નડિયાદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નદી-નાળાની નજીક રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.