Loading...

Kanku Chaudhary: રબારી યુવક સાથે લવ મેરેજ કરનાર કંકુ ચૌધરી કોણ છે? જાણો તેના વિશે બધું

કંકુ ચૌધરી ભાભર તાલુકાના રૂની ગામની વતની છે. તે બે વર્ષ પહેલા કાંકરેજ તાલુકાના ઉણ ગામના રબારી સમાજના યુવક મહાદેવ રબારી સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે ઘર છોડીને જતી રહી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 20 Mar 2026 02:49 PM (IST)Updated: Fri 20 Mar 2026 02:49 PM (IST)
who-is-kanku-chaudhary-who-married-mahadev-rabari-for-love-know-about-her-711925

Who is Kanku Chaudhary: બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અત્યારે કંકુ ચૌધરી નામની યુવતી સામાજિક ચર્ચાનું કેન્દ્ર બની છે. ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની આ દીકરીએ કાંકરેજ તાલુકાના ઉણ ગામના રબારી સમાજના મહાદેવ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે, જેને પગલે બંને સમાજ આમને-સામને આવી ગયા છે. આ વિવાદમાં અત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો પણ સક્રિય થયા છે.

કોણ છે કંકુ ચૌધરી?

કંકુ ચૌધરી ભાભર તાલુકાના રૂની ગામની વતની છે. તે બે વર્ષ પહેલા કાંકરેજ તાલુકાના ઉણ ગામના રબારી સમાજના યુવક મહાદેવ રબારી સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે ઘર છોડીને જતી રહી હતી. કંકુ ચૌધરીએ વીડિયોમાં કરેલા ખુલાસા મુજબ, તેણે મહાદેવ રબારી સાથે હિન્દુ રીત-રિવાજો મુજબ લગ્ન કર્યા છે અને અત્યારે તેમને એક વર્ષનું સંતાન પણ છે. તેણી પોતાની જિંદગીમાં ખૂબ ખુશ હોવાનો દાવો કરે છે.

કંકુ ચૌધરીના પરિવાર વિશે જાણો

કંકુ ચૌધરીના પિતાનું નામ જગમાલભાઇ ચૌધરી અને માતાનું નામ જુમાબેન ચૌધરી છે.

કંકુ ચૌધરીનો વિવાદ કઈ રીતે વકર્યો?

બે વર્ષ સુધી શાંત રહેલો આ મામલો તાજેતરમાં લોક ગાયિકા કિજલ રબારીની 'ઘરવાપસી' બાદ ફરી ગરમાયો છે. કિંજલ રબારીના કિસ્સામાંથી પ્રેરણા લઈને, કંકુ ચૌધરીના માતા-પિતાએ સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી કે રબારી સમાજનો યુવક તેમની દીકરીને લઈ ગયો છે, તો તેમને પરત અપાવવામાં આવે. આ અપીલ બાદ ચૌધરી સમાજના આગેવાનો એકઠા થયા અને રબારી સમાજ પાસે દીકરી પરત માંગવાની શરૂઆત કરી.

કંકુ ચૌધરીનો વાયરલ વીડિયો

18 માર્ચે ભાભરના રૂની ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, તે પૂર્વે કંકુ ચૌધરીએ સોશિયલ મીડિયા પર બે વીડિયો વાયરલ કરીને બંને સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરી છે. 31 માર્ચ 2024 ના રોજ પોતાની મરજીથી ઘરેથી નીકળી હતી અને મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા. તેણીને એક વર્ષનો દીકરો છે. કંકુએ આજીજી કરી કે, "મને મારા દીકરાથી દૂર ન કરતા અને તેને માતાપિતા વગરનો ન કરશો." બંને સમાજને વિનંતી કરતા તેણે કહ્યું, "જે પણ નિર્ણય લો, તેમાં અમારો માળો ન વિખેરાય એ રીતે લેજો. હું બહુ ખુશ છું અને મને કોઈએ બ્લેકમેઈલ નથી કરી."

વર્તમાન સ્થિતિ અને તણાવ

કંકુ ચૌધરીના આ વીડિયો બાદ સામાજિક ચર્ચા વધુ ઉગ્ર બની છે. ચૌધરી સમાજ પોતાની દીકરીને પરત લાવવા માટે મક્કમ છે અને આજે યોજાનારા સંમેલનમાં કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બીજી તરફ રબારી સમાજ પણ આ મામલે કાયદાકીય અને સામાજિક રીતે પોતાનો પક્ષ રાખવા તૈયાર છે. પોલીસ તંત્ર પણ સાવચેતીના પગલાં રૂપે રૂની અને ઉણ ગામમાં બંદોબસ્ત ગોઠવી રહ્યું છે જેથી કોઈ અઘટિત ઘટના ન બને. આ સંવેદનશીલ કિસ્સામાં આગળ શું થશે તે જોવું રહ્યું, પરંતુ કંકુ ચૌધરીની કરુણ અપીલે અનેક લોકોના હૃદય દ્રવી ઉઠાવ્યા છે.