Loading...

Banaskantha News: ઉણ ગામે હિંસા મામલે મોટી કાર્યવાહી, મહિલા સહિત 5 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

થરા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શિહોરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 21 Mar 2026 09:48 AM (IST)Updated: Sat 21 Mar 2026 09:48 AM (IST)
accused-of-unn-village-attack-in-banaskantha-presented-in-court-thara-police-took-5-including-a-woman-on-3-day-remand-712402

Banaskantha News: બનાસકાંઠાના ઉણ ગામે થયેલા હિંસક હુમલા અને પથ્થરમારાની ઘટનામાં પોલીસ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. થરા પોલીસે આ કેસમાં પકડાયેલા એક મહિલા સહિત પાંચ આરોપીઓને શિહોરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તમામ આરોપીઓને પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

કોર્ટની કાર્યવાહી અને રિમાન્ડ

થરા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શિહોરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસની સઘનતા અને ઘટના પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે કોર્ટ પાસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર શિહોરી કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ પાંચેય આરોપીઓ સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, જ્યાં તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.

કોર્ટ પરિસરમાં લોકોની ભીડ

જ્યારે આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે વાતાવરણ તણાવપૂર્ણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિકો અને સમાજના લોકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને જોતા પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

શું હતી સમગ્ર ઘટના?

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ઉણ ગામમાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે દીકરીના પ્રેમલગ્ન મુદ્દે વિવાદ વકર્યો હતો. આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા ટોળા દ્વારા હુમલો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવી 800 થી 1000 અજાણ્યા લોકો સામે FIR નોંધી છે, જ્યારે 16 જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસની તપાસ તેજ

ડીવાયએસપી (DySP) અને સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ હુમલો પૂર્વ આયોજિત હતો કે કેમ? અને આ હિંસા ભડકાવવા માટે અન્ય કયા તત્વો જવાબદાર છે.

હાલમાં ઉણ ગામમાં શાંતિ સમિતિની બેઠકો અને પોલીસના સતત પેટ્રોલિંગને કારણે સ્થિતિ કાબૂ હેઠળ છે. સામાજિક આગેવાન અણદા ચૌધરીએ પણ યુવાનોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે