Loading...

"ગૌ-અભયારણ્ય" ના લાભાર્થે યોજાયો ઐતિહાસિક ડાયરો: નોટોનો વરસાદ થયો, સોનુ સૂદે 22 લાખનું દાન કર્યું

દેશના પ્રથમ "ગૌ-અભયારણ્ય" ના લાભાર્થે આયોજીત આ ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, નિલેશ ગઢવી અને ગોપાલ સાધુ જેવા કલાકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 11 Jan 2026 02:04 PM (IST)Updated: Sun 11 Jan 2026 02:04 PM (IST)
vav-tharad-suigam-cow-sanctuary-dayro-actor-sonu-sood-donated-22-lakhs-672139
HIGHLIGHTS
  • સુઈગામના ગોલપ નેસડા ગામમાં યોજાયો ઐતિહાસિક ડાયરો
  • ગોલપ નેસડા ગામમાં બનશે દેશનું પ્રથમ "ગૌ-અભયારણ્ય" 
  • અભિનેતા સોનુ સુદની ઉપસ્થિતિ, રૂ. 22 લાખનું દાન કર્યું

Suigam Cow Sanctuary: ભારત-પાકિસ્તાન સરહદ નજીક સુઈગામના ગોલપ નેસડા ગામ, જે હાલ વાવ-થરાદ જિલ્લામાં આવે છે, એક ઐતિહાસિક લોકડાયરો યોજાયો હતો. સિંહ-વાઘ સહિતના પ્રાણીઓ જેમ ગાયો માટે પણ સત્તાવાર આશ્રયસ્થાન ઊભું કરવાના ઉમદા હેતુથી અહીં  દેશનું પ્રથમ "ગૌ-અભયારણ્ય" બની રહ્યું છે. જેના લાભાર્થે આયોજીત આ ડાયરામાં વિશેષ અતિથિ તરીકે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ઉપસ્થિત રહ્યા હતા.

"ગૌ-અભયારણ્ય" ના લાભાર્થે ડાયરો, દાતાઓએ નોટોનો વરસાદ કર્યો

દેશના પ્રથમ "ગૌ-અભયારણ્ય" ના લાભાર્થે આયોજીત આ ડાયરામાં કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવીએ માહોલ જમાવ્યો હતો. આ ઉપરાંત નિલેશ ગઢવી અને ગોપાલ સાધુએ પણ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દિગ્ગજ કલાકારોના સૂર પર દાતાઓએ મન મૂકીને નોટોનો વરસાદ કર્યો હતો. આ તમામ રકમ ગૌશાળાના વિકાસ અને ગાયોના નિભાવ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

સોનુ સૂદે રૂ. 22 લાખનું અનુદાન અર્પણ કર્યું 

આ પ્રસંગે સોનુ સૂદે ગૌસેવા માટે બે ગૌશાળામાં કુલ રૂ. 22 લાખનું અનુદાન અર્પણ કર્યું હતું. વધુમાં સોનુ સૂદે યુવાનોને સોશિયલ મીડિયાથી દૂર રહી ગૌશાળામાં સમય આપવા અપીલ કરતા કહ્યું કે, ગૌસેવા એ સૌથી મોટું પુણ્યનું કામ છે. આ ઉપરાંત સોનુ સૂદે વારાહી અને ગોલપ નેસડાની ગૌશાળાની મુલાકાત લઈ ગૌ માતાના દર્શન કરી પૂજા કરી હતી.

50 હજારથી વધુ ગાય-નંદીને મળશે સુરક્ષિત સ્થળ

ગોલપ નેસડા ગામની ભારેશ્વર ગૌશાળામાં હાલ 500 ગાયો અને 600 નંદી સહિત 1100 જેટલું ગૌધન છે. અહીં રખડતી અને બિમાર ગાયોને લાવવામાં આવી રહી છે, જેના માટે હાઈટેક હોસ્પિટલ, ગૌ છત્ર અને હજારો વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ અભયારણ્ય બન્યા બાદ અહીં 50 હજારથી વધુ ગાયોની સેવા કરવામાં આવશે. ગૌવંશના નિવાસ માટે ગૌ છત્ર બનાવાઈ રહ્યા છે. અહીં ગાય અને નંદી મુક્તપણે વિહાર કરી શકશે.

ટુરિઝમ સેન્ટર તૈયાર કરવાનું લક્ષ્ય

આ ગૌ અભયારણ્ય ભવિષ્યમાં એક મોટું ટુરિઝમ સેન્ટર પણ બનશે, જ્યાં પ્રવાસીઓ જીપમાં બેસીને આખું કેમ્પસ જોઈ શકશે. આ સમગ્ર વિસ્તાર જોવા માટે અંદાજે ચાર કલાક જેટલો સમય લાગશે. 100થી વધુ લોકોની ટીમ અત્યારે અહીં દિવસ-રાત કાર્યરત છે. આ પ્રોજેક્ટથી માત્ર ગાયોનું જ ભલું નહીં થાય, પરંતુ આસપાસના ગામડાંનો પણ આર્થિક અને સામાજિક વિકાસ થશે.