Loading...

પિપલીયા ગામે ભવ્ય લોકડાયરો યોજાયો, રાજભા ગઢવીએ લોકસાહિત્યની રમઝટ બોલાવી

કાર્યક્રમની શોભા વધારવા માટે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ લોકસાહિત્યની રમઝટ બોલાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 04 Feb 2026 02:16 PM (IST)Updated: Wed 04 Feb 2026 02:16 PM (IST)
pipalia-village-lok-dayro-rajbha-gadhvi-ishudan-gadhvi-685640

Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના પિપલીયા ગામે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નિવાસસ્થાને તાજેતરમાં 'લોટી ઉત્સવ' તેમજ 'નામકરણ વિધિ'નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પરિવારજનો અને સમાજના આગેવાનો વચ્ચે લાગણીભરી ક્ષણો ઉજવવા મળી હતી.

લોકડાયરો યોજાયો હતો

કાર્યક્રમની શોભા વધારવા માટે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ લોકસાહિત્યની રમઝટ બોલાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે AAPના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી, જેમાં ગોપાલ ઈટાલીયા, મનોજ સોરઠિયા, પ્રવીણ રામ, રાજુભાઈ કરપડા, દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ યાદવ, પિયુષ પરમાર સહિત અખા ગુજરાતમાંથી આવેલા પાર્ટીના આગેવાનો અને દ્વારકા જિલ્લાના સ્થાનિક લોકોનો સમાવેશ થતો હતો. ઈસુદાન ગઢવીએ આ તમામ મહાનુભાવો તેમજ જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ઇશુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં સેવા અને સમર્પણના ભાવને વાચા આપી હતી. તેમણે જણાવ્યું કે બીજાના માટે લડવું અને તેમાં જેલવાસ ભોગવવો કઠિન છે, પરંતુ ઇતિહાસ હંમેશા એવા લોકોનો જ લખાય છે જેઓ અન્યના હિત માટે લડે છે અને જરૂર પડે તો પોતાનું જીવન પણ આપી દે છે. તેમણે ખેડૂતો, ગરીબો અને સમાજના છેવાડાના વર્ગો માટે સંઘર્ષ કરનાર સાથીઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.

તેમનું સ્વપ્ન એક એવું ગુજરાત બનાવવાનું છે જ્યાં ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે, કોઈને સરકારી કામ માટે લાંચ આપવી ન પડે અને દીકરીઓ સામે અત્યાચાર કરનારા વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી થાય. તેમણે પોતાના પિતા ખેરાજભાઈને યાદ કરતાં કહ્યું કે શિક્ષણને કારણે જ આજે ગુજરાતના લોકો તેમની પાસે આશા રાખે છે. તેમણે સંકલ્પ કર્યો કે ગુજરાતનો એક પણ દીકરો કે દીકરી અભણ ન રહે.

ઈસુદાનભાઈએ સજ્જનતાની વ્યાખ્યા આપતાં કહ્યું કે ભોળાઈ અને સજ્જનતામાં ફરક છે; સજ્જન એ છે જેને બધી ખબર હોવા છતાં પોતાનો સારો સ્વભાવ ન છોડે અને બીજાનું ભલું જ ઈચ્છે. તેમણે ચારણ સમુદાયની ભૂમિકા વિશે પણ વાત કરી કે ચારણ એ છે જે સમાજને જોડી શકે અને સર્વ સમાજની એકતા જાળવી રાખે.

રાજભા ગઢવીએ પોતાના લોકડાયરામાં ઈસુદાનભાઈને 'મરદ' અને 'ભોળો' માણસ ગણાવ્યા. તેમણે કહ્યું કે જગતમાં બંગલા કે ગાડી તો મળી શકે, પરંતુ ઈસુદાનભાઈ જેવી સાચી લાગણી મળવી મુશ્કેલ છે. તેમણે પરંપરાગત મૂલ્યો અને સંસ્કારો પર ભાર મૂકતાં જણાવ્યું કે સાત વાર પછી આઠમો વાર 'વ્યવહાર' છે અને વ્યવહાર સચવાય તો બધું સચવાય છે.

રાજભાએ માનવ સ્વભાવની સરખામણી રણની રેતી અને ખાંડના ડબ્બા સાથે કરી, જે બહારથી મીઠા લાગે પણ અંદર ભડકો કરી શકે છે. તેમણે ગીરના સિંહોનું ઉદાહરણ આપીને સંગઠિત થવાનું મહત્વ સમજાવ્યું કે પ્રકૃતિ પણ હવે ટોળામાં રહેવાનું શીખવે છે. આ સાથે તેમણે પિતૃભક્તિ અને આધ્યાત્મિકતા વ્યક્ત કરતી ભાવુક કવિતા રજૂ કરી હતી.