Loading...

'મજબૂત ટેકેદાર તો વિજય નિશ્ચિત, નબળાની સેના હોય તો પણ પરાજય થાય', લાખણીમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું સૂચક નિવેદન

તેમણે કહ્યું કે, 'મહાભારત શીખવે છે કે જો ટેકેદાર મજબૂત હોય, તો વિજય પાક્કો છે, પરંતુ જો ટેકેદાર નબળો હોય તો અઢાર અક્ષૌહિણી સેના હોવા છતાં પણ પરાજય થાય છે.'

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 15 Jan 2026 06:07 PM (IST)Updated: Thu 15 Jan 2026 06:07 PM (IST)
palanpur-news-mp-geniben-thakors-indicative-statement-draws-political-attention-in-lakhani-674541

Palanpur News: બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરે લાખણી તાલુકાના સેદલા ગામે આયોજિત શ્રીમદ ભાગવત કથા દરમિયાન રાજકીય રીતે અત્યંત સૂચક નિવેદન આપ્યું છે. તેમણે મહાભારતના દ્રષ્ટાંતને ટાંકીને ભારપૂર્વક જણાવ્યું કે, 'જેનો ટેકેદાર મજબૂત હોય, તેનો વિજય નિશ્ચિત હોય છે, ભલે આવા ટેકેદારોની સંખ્યા ઓછી હોય.' તેમના આ નિવેદનને વર્તમાન રાજકીય સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ નિમિતે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા ગૌ શાળાના વિકાશ માટે જાહેરાત કરી હતી.

સાંસદ ઠાકોરે મહાભારત કથાનો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પાંડવો અને કૌરવો બંનેને પસંદગી કરવાની તક મળી, ત્યારે કૌરવોએ તેમની અઢાર અક્ષૌહિણી સેના માંગી, જ્યારે પાંડવોએ સ્વયં કૃષ્ણનો સાથ પસંદ કર્યો. તેમણે કહ્યું કે, 'મહાભારત શીખવે છે કે જો ટેકેદાર મજબૂત હોય, તો વિજય પાક્કો છે, પરંતુ જો ટેકેદાર નબળો હોય તો અઢાર અક્ષૌહિણી સેના હોવા છતાં પણ પરાજય થાય છે.' તેમણે મક્કમ ટેકેદારોના મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું કે, 'જો મજબૂત ટેકેદાર હોય તો અડધું યુદ્ધ ત્યાં જ જીતી જવાય છે.'

રાજકીય નિવેદન ઉપરાંત, સાંસદ ગેનીબેન ઠાકોરે સામાજિક જવાબદારી અને ગૌરક્ષાના મુદ્દે પણ વિસ્તૃત વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, માનવ તરીકે આપણી ફરજ છે કે જેને દાન આપવું યોગ્ય હોય, તેને દાન આપીને આપણી જવાબદારી પૂરેપૂરી નિભાવીએ. આ સંદર્ભમાં તેમણે સેદલા ગામની ગૌશાળા માટે પોતાની સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. તેમણે ગૌશાળા સંચાલકોને શેડ બનાવવા કે અન્ય કોઈ જરૂરિયાત માટે લેખિતમાં પ્રસ્તાવ આપવા જણાવ્યું હતું.

ઠાકોરે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત 172 જેટલી ગૌશાળાઓનો ઉલ્લેખ કર્યો અને ગૌરક્ષા માટે સૌને આગળ આવવા અપીલ કરી. તેમણે ખેડૂતોના ગૌપ્રેમને બિરદાવતા કહ્યું કે, ગૌ માતા દ્વારા ખેતરમાં નુકસાન થયા છતાં ક્યારેય કોઈ ખેડૂતે વળતર માટે અરજી કરી નથી, જે ગાય પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ દર્શાવે છે. તેમણે બનાસકાંઠાની કાંકરેજી ગાયને ભારતની સર્વશ્રેષ્ઠ ઓલાદ તરીકે ઓળખાવી અને તેના દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સંશોધનોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સરકાર અને વહીવટીતંત્રને પણ ગૌશાળાઓને મદદ કરવા અપીલ કરી.

સાંસદ ઠાકોરે ભાઈ-ભાઈના સંબંધોમાં સમાધાન, પારિવારિક પ્રસંગોમાં થતા અતિશય ખર્ચ પર અંકુશ, શિક્ષણને પ્રોત્સાહન અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા જેવા સામાજિક સુધારાના મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમણે ભૂમિદાન, કન્યાદાન, વિદ્યાદાન, રક્તદાન અને ગૌરક્ષા માટેના દાનને માનવ અવતારની પવિત્ર ફરજ ગણાવી. તેમણે પોતાના ભૂતકાળના કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ધારાસભ્ય હતા ત્યારે પણ તેમની ગ્રાન્ટનો 60 થી 70 ટકા હિસ્સો ગૌશાળાઓ અને પક્ષીઘરો પાછળ ખર્ચ્યો હતો, કારણ કે તેઓ પશુઓ અને પક્ષીઓના આશીર્વાદમાં દ્રઢપણે માને છે.