Geniben Thakor Letter: ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને મેડિકલ નશાના વધતા જતા પ્રભાવ સામે હવે સામાજિક સ્તરે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજ, કોળી પટેલ અને અન્ય પછાત સમાજના યુવાનોમાં વધતા વ્યસનને રોકવા માટે બનાસકાંઠના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યના મંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યોને પત્ર લખીને આક્રમક રજૂઆત કરી છે. આ પત્રમાં વ્યસનના કારણે બરબાદ થઈ રહેલા પરિવારોની કરૂણ ગાથા વર્ણવવામાં આવી છે.
નાની ઉંમરે બહેનો વિધવા બની રહી છે
પત્રમાં અત્યંત ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરતા જણાવાયું છે કે, નશાના રવાડે ચઢેલા યુવાનો નાની ઉંમરે મૃત્યુને ભેટી રહ્યા છે. જેના કારણે સમાજની અનેક દીકરીઓ નાની ઉંમરે વિધવા બની રહી છે અને તેમના બાળકો નિરાધાર બની રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે વિધવા બહેનોના શોષણની ઘટનાઓ પણ વધી રહી છે. ખાસ કરીને સામાજિક પ્રસંગો અને પ્રવાસ દરમિયાન યુવાનોમાં નશાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, જે આખા સમાજ માટે ચિંતાનો વિષય છે.
પોલીસના 'હપ્તા' બંધ કરાવી કાયદેસરની કાર્યવાહીની માંગ
સમાજની આ બહેને પક્ષ-વિપક્ષના નેતાઓને વિનંતી કરી છે કે, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સાથે મળીને આ બદી સામે લડે. તેમણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, જ્યાં સુધી પોલીસ દારૂ અને ડ્રગ્સ વેચનારાઓ પાસેથી 'હપ્તા' લેવાનું બંધ નહીં કરે અને કાયદેસરની કડક કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી આ દૂષણ નાબૂદ થવું મુશ્કેલ છે.
જનજાગૃતિ અને સંગઠન પર ભાર
પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે કે:
- ગામોગામ વ્યસનમુક્તિ સંગઠનો બનાવવામાં આવે.
- ધર્મગુરુઓ અને સામાજિક આગેવાનોના માધ્યમથી જનજાગૃતિ લાવવામાં આવે.
- પોલીસ વિભાગને પત્ર લખીને કડક દારૂબંધીની અમલવારી કરવામાં આવે.
વિંગજી ઠાકોરના અભિગમની પ્રશંસા
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા તેમના વિસ્તારમાં દારૂબંધી કરાવવા માટે પાટણ ડી.એસ.પી.ને આવેદનપત્ર આપીને જે પહેલ કરવામાં આવી છે, તેની પત્રમાં પ્રશંસા કરવામાં આવી છે. અન્ય ધારાસભ્યો અને નેતાઓ પણ પોતાના મત વિસ્તારમાં આ રીતે લેટરપેડ લખીને પોલીસને જાણ કરે અને સહભાગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. "આવતીકાલની તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે રાજકીય નેતાઓએ દિલથી કામ કરવું પડશે, નહીંતર રાષ્ટ્રને મોટું નુકસાન થશે," તેવા શબ્દો સાથે આ પત્રમાં સમાજના ઉત્થાન માટે સહયોગની માંગ કરવામાં આવી છે.
