Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં એક યુવકનો હાથપગ બાંધીને લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, પાલનપુરના કંથેરિયા હનુમાન વિસ્તારમાં રહેતા રવિભાઈ ભરતભાઈ માળી બુધવારે રાત્રે પાલનપુર- અંબાજી હાઇવે નજીક આવેલા વીરપુર આશ્રમ પાસે સસરાના ઘરે જવા માટે નીકળ્યા હતા.
યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો
જે યુવાનનું ગુરુવારના વહેલી સવારે આશ્રમ નજીક રવિ માળીનો મૃતદેહ દોરડાથી હાથ-પગ બાંધેલી અને ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ ઉપરથી લટકતો મળ્યો હતો. મૃતદેહને ઝાડ પરથી ઉતારીને પોલીસે મૃતદેહ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં માળી સમાજના લોકો એકઠા થઈ ગયા હતા.
યુવકના પરિજનોનો હત્યાનો આક્ષેપ
મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, હત્યા કરીને તેનો મૃતદેહ લટકાવી દેવામાં આવ્યો છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે જે દરમ્યાન પેનલ તબીબથી મોડી સાંજે પીએમ બાદ યુવકનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પીએમની કામગીરી શરુ કરવામાં આવી હતી.
મૃતકના મોબાઈલમાંથી વિડીયો મળ્યો
મૃતક રવિ માળીના મોબાઈલ ફોનમાંથી પરિવારજનોને વિડીયો મળી આવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં યુવક દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ સાસરિયાઓ દ્વારા છુટાછેડા આપવા માટે ધમકી આપી છે.તેમજ મૃતકે કહ્યું કે, આ લોકોએ મને પાલનપુર બોલાવ્યો છે. મને મારવા મોટી રમત ગોઠવી છે. તેમજ છુટાછેડા આપી દે નહીં તો તને મારી નાખીશું તેવી ધમકીનો આક્ષેપ યુવકે લગાવ્યો હતો.
PI શું કહ્યું ?
યુવકનો મોત અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એચ.બી .ધાંધલીયા દ્વારા જણાવ્યા મુજબ, યુવકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હાથ-પગ બાંધીને ઝાડ પરથી લટકતી હાલતમાં મળ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થતું નથી કે, હત્યા છે કે આત્મહત્યા. યુવકના પરિવારજનોએ ફરિયાદ નોધાવી છે. મોત અંગે તટસ્થ તપાસ પછી જ મોતની સાચી હકીકત બહાર આવશે.
