Loading...

વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસમાં ઐતિહાસિક પગલું : મુખ્યમંત્રીએ કર્યું દૂધવા GIDC નું ભૂમિપૂજન

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 99.23 એકર સરકારી જમીન પર સ્થપાનારી GIDC ઔદ્યોગિક વસાહતનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂમિપૂજન કર્યું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 25 Jan 2026 04:20 PM (IST)Updated: Sun 25 Jan 2026 04:20 PM (IST)
dudhwa-gidc-bhumi-pujan-by-cm-bhupendra-patel-in-vav-tharad-district-679571
HIGHLIGHTS
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે દૂધવા GIDC નું ભૂમિપૂજન કરાયું
  • જિલ્લાના વિકાસને વેગ મળશે અને રોજગારની નવી તકો સર્જાશે
  • 99.23 એકર જમીન પર GIDC ઔદ્યોગિક વસાહતનું નિર્માણ થશે

Dudhwa GIDC Bhoomi Pujan: આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ થરાદ જિલ્લામાં થઈ રહી છે. આ ઉજવણી અન્વયે વાવ-થરાદ જિલ્લાને બે મોટી ભેટ મળી છે. આજે થરાદમાં જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું, જે બાદ જિલ્લાની નવી દૂધવા GIDC નું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

CM પટેલે કર્યું દૂધવા GIDC નું ભૂમિપૂજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાવ થરાદ જિલ્લાના દુધવા ખાતે નિર્માણ પામનાર GIDC નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા 99.23 એકર સરકારી જમીનમાં આ ઔદ્યોગિક વસાહતનું નિર્માણ કરવામાં આવશે. આ તકે CM ભુપેન્દ્ર પટેલે કે, GIDC નિર્માણ થવાથી નવા જિલ્લાના વિકાસને વેગ મળવાની સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પાર પડશે.

99.23 એકરમાં થશે નિર્માણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાનો વિકાસ પણ અન્ય વિકસિત જિલ્લાઓ સમકક્ષ ઝડપભેર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. અંદાજે 99.23 એકરમાં નિર્માણ પામનાર આ ઔદ્યોગિક વસાહતથી જિલ્લાના વિકાસને વેગ મળશે. આ સરહદી જિલ્લામાં યુવાનોને વધુ રોજગારી મળે તે દિશામાં આ આગવું કદમ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંબોધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વિકાસ સાચા અર્થમાં જમીન પર સાકાર થાય તે માટે વડાપ્રધાન મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે. તેમણે રોડ રસ્તા, પીવાના પાણી, આરોગ્ય સહિત દરેક ક્ષેત્રમાં દેશના નાગરિકોની સુખાકારીની ચિંતા કરી છે, અને છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને વિકાસલક્ષી આયોજનો પાર પાડ્યા છે. ખેતી ઉપરાંત ઉત્પાદનના મૂલ્યવર્ધન અંગે પણ વિચાર કરવામાં આવ્યો છે. વેલ્યુ એડિશન માટે નાના-મોટા ઉદ્યોગો સ્થપાઈ શકે તે માટે આવનારા દિવસોમાં આ GIDC મહત્વપૂર્ણ બનશે.

‘કેચ ધ રેઇન’ અભિયાન

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ખેતી માટે તલાવડી, ડ્રિપ ઈરિગેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે, તે આનંદની બાબત છે. આજે પાણી ઉપલબ્ધ છે, તો આવતીકાલે પણ પાણી રહે તે માટે આગોતરી યોજના બનાવી છે. ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત વધારાના વરસાદી પાણીના સંગ્રહ માટે સમગ્ર દેશમાં આયોજનબદ્ધ મુહિમ હાથ ધરવામાં આવી છે, જે ભવિષ્યની પેઢી માટે આંગળી ચીંધ્યા સમાન પુણ્યકાર્ય છે.

"ખેડૂતોની આવક બમણી થશે, યુવાનોને રોજગારીની નવી તકો મળશે" : શંકર ચૌધરી

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આ સરહદી વિસ્તારના વિકાસ માટે આર્થિક પ્રગતિના નવીન દરવાજા ખોલી દીધા છે. આ વિસ્તારનો ખેડૂત મહેનતુ છે. દાડમ હોય કે અન્ય પાક, અહીંનું ઉત્પાદન અત્યાર સુધી પ્રોસેસિંગ માટે રાજકોટ, અમદાવાદ કે અન્ય રાજ્યો સુધી જતું હતું. પરંતુ હવે દૂધવા ખાતે GIDC બનવાથી ખેતીના પાકનું 'વેલ્યુ એડિશન' અહીં જ થશે. જેનાથી ખેડૂતોની આવક બમણી થશે અને સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે.

શંકર ચૌધરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં GIDCની મંજૂરી આપી આજે ભૂમિપૂજન પણ સંપન્ન કર્યું છે. સાથે સાથે પ્રથમ તબક્કા માટે અંદાજે રૂ.16 કરોડના રસ્તા અને પાયાની સુવિધાના કામો પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આ સરહદી વિસ્તારને નવા જિલ્લાની ભેટ આપીને વહીવટી સરળતા ઊભી કરી છે.