Tran Pargana Brahm Samaj Bandharan: બનાસકાંઠા તેમજ વાવ, થરાદ અને ભાભર પંથકમાં પથરાયેલા 'ત્રણ પરગણાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ' દ્વારા તારીખ 1 ફેબ્રુઆરીના રોજ એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી આનંદ પ્રકાશ બાપુની ગુરુગાદી એટા મુકામે આયોજિત વિશાળ નાતગંગા બેઠકમાં સર્વસંમતિથી નવું 'સામાજીક બંધારણ-2026' અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નવું બંધારણ આજથી જ અમલી બનશે અને બે વર્ષ બાદ તેમાં જરૂર જણાશે તો પુનઃ સમીક્ષા કરવામાં આવશે. પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુ (ઉજજનવાડા) ના આશીર્વાદ અને સમાજના અગ્રણીઓની હાજરીમાં આ ઐતિહાસિક સુધારાને આવકારવામાં આવ્યો છે.
ત્રણ પરગણાં બ્રહ્મસમાજનું નવું સામાજીક બંધારણ
લગ્ન પ્રસંગ
- 1) લગ્ન પ્રસંગમાં પત્રિકા સાદીઅથવા ડિઝીટલ છપાવવી અને પત્રિકા લખાણનું ડેકોરેશન કરવું નહિ.
- 2) લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ ઘટાડવા હલ્દી રસમ,મહેંદી રસમ જેવા કાર્યક્રમો બંને પક્ષોએ સદંતર બંધ કરવા જુના રીત રિવાજ મુજબ પીઠી ચોળી તથા મહેંદી બાંધી તેમજ દિકરીને તૈયાર કરવા માટે બહારની વ્યક્તિને બોલાવવી નહી ગામ કે કુટુંબની દિકરીઓએ તૈયાર કરવાનું રાખવું.
- 3) લગ્ન પ્રસંગે બંને પક્ષોએ લાઈવ પ્રોગ્રામ કરવા નહિ કે કોઈ પણ પ્રકારની એન્ટ્રી કરવી નહિ એન્ટ્રી વગર સાદાઈથી સત્કાર સમારંભ કરવો અને એના વિડિયો તથા રિલ્સો બનાવવી નહી.
- 4) લગ્ન મુહુર્ત દિવસનું રાખવું અને જાન સવારે તેડાવવી.
- 5) લગ્ન પ્રસંગે કે અન્ય શુભ પ્રસંગે દિકરા દિકરીઓએ સમાજને શોભે એવા કપડા પહેરવા તેમજ વરરાજા એ દાઢી રાખી પરણવા જવું નહી અને વરરાજાએ શોભે એવા પહેરવેશ પહેરવો અને વરરાજાને ભાડા ના પેન્ટ-શુટ કે શેરવાની લાવવા નહી.
- 6) લગન પ્રસંગે જાનમાં વધુમાં વધુ 15 વાહનો તથા વધુમાં વધુ 100 માણસોથી વધારે લઈ જવા નહી અને પોતાના સમાજના જ માણસો લઈ જવા અને બંને પક્ષોએ દારૂખાનું ફોડવું નહી.
- 7) લગ્ન પ્રસંગે જમણવાર માં 2 મીઠાઈ, 1 ફરસાણ, દાળ-ભાત, પુરી/રોટલી, છાશ/ કેરી રસ, પાપડ જેટલી આઈટમો રાખવી અલગથી બીજી કોઈ ચાઈનીઝ/પાણીપુરી જેવી આઈટમો રાખવી નહિ તથા સમાજના રસોઈયા પાસે રસોઈ બનાવવી અને બને ત્યાં સુધી અન્ય સ્ટાફ પણ સમાજનો રાખવો.
- 8) લગન પ્રસંગે પડલામાં વરપક્ષે કન્યા પક્ષને વધુમાં વધ 2 તોલાથી વધારે સોનાના દાગીના મુકવા નહી.
- 9) સગાઈ કર્યા બાદ કન્યા પક્ષને વધુમાં વધું 1 તોલાથી વધારે સોનાના દાગીના મુકવા નહી અને ચાંદીના કડલા મોકલવાનું બંધ રાખી તેની જગ્યાએ ચાંદીની પાયલ(ઝાંઝર) મોકલવી.
- 10) દિકરીના લગ્ન પ્રસંગમાં પુરતમાં એક જ પીતળનું બેડુ આપવું અન્ય કરિયાવર તરીકે દા.ત.સોફા-સેટ, ટી.વી, તિજોરી, તેમજ અન્ય ઈલેકટ્રિક ઉપકરણો સોડા સેટ આપવો નહિ આ બધી સામગ્રી દિકરીને અગેણીમાં આપી શકાશે.
- 11) લગ્ન પ્રસંગમાં બંને પક્ષના સગા વ્હાલાએ ભેટ માટે આપવામાં આવતા વાસણ પ્રથા તથા અન્ય ચીજ વસ્તું આપવાનું બંધ કરી તેના બદલે રોકડ રકમમાં વ્યવહાર કરવો.
- 12) લગ્ન કરીને ઘરે આવ્યા પછી જુનારીત રિવાજ મુજબ વર-કન્યાને વધાવાનું રાખવું કોઈ પણ જાતનું વેલ- કમ ડેકોરેશન કે એન્ટ્રી કરવી નહી તેના વિડીયો સ્ટેટસ કે રિલ બનાવી સોશીયલ મિડીયામાં શેર કરવા નહિ.
- 13) આંણા પ્રસંગે કે ઘરઘેણાં પ્રસંગે ડેકોરેશન કરવું નહી અને ઘરઘેણાંમાં ફેરા ફરવા નહિ માત્ર ફુલહાર કરવાનું રાખવું તથા ઘરઘેણાં વખતે જાન જોડી જવું નહી તેમજ દિકરો કુંવારો હોયતો ૫ણ 15 વ્યક્તિઓથી વધું માણસોએ ઘરઘેણું તેડવા જવુ નહી અને ઘર ઘેણામાં લગનીયા મુકવા નહિ તેમજ ઘરઘેણાંમાં ઓઢામણાંની આપ-લે કરવી નહીં.
- 14) વરપક્ષ,કન્યાપક્ષ કે મામેરા પક્ષે ઢાલ દરમિયાન આપવાની થતી તમામ ઓઢામણી રોકડ રકમમાં કરવી.
- 15) લગ્ન તથા અન્ય શુભ પ્રસંગે કસુંબામાં બંને પક્ષો એ બિસ્ટોલ,ગુટખા, મસાલા કે કાચી સાકર સદંતર વાપરવી નહીં.
- 16) જાનમાં પતાસા, બિસ્ટોલ, ગુટખા કે મસાલા સાથે લઈ જવા નહી તેમજ ચા-ખાંડપણ સાથે લઈ જવા નહી ચા-ખાંડ ની વ્યસ્થા માંડવા પક્ષે કરી આપવી અને કન્યા પક્ષ દ્રારા કરવામાં આવતા કસુંબા માં વર પક્ષ તરફથી ગોળીયા ટીકડા વેચવા નહી તેમજ ઉતારે ગોળીયા ટીકડા વેચી શકાશે.
- 17) લગ્ન પ્રસંગે બંને પક્ષો એ મોટા અવાજે વગાડવામાં આવતા ડિજે(DJ) સદંતર બંધ કરવામાં આવે છે આની જગ્યાએં ઘર આંગણે ઢોલ તથા શરણાઈ વગાડી શકાશે પરંતુ બહારના કોઈ કલાકાર બોલાવવા નહીં.
- 18) ઉતરાયણનું આંણુ,ઘર ઘેણું તેમજ સગાઈ પ્રસંગ હોય તે દરમ્યાન ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરી કરવામાં આવતું ડેકોરેશન બંધ કરવું અને તેના વિડીયો સ્ટેટ્સ કે રિલ બનાવી સોશીયલ મિડીયામાં શેર કરવાં નહી.
- 19) સગાઈ કર્યા બાદ મોકલવામાં આવતા હાયડા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ વર્ષમાં માત્ર એકવાર 1100/-રૂપિયા રોકડમાં આપવા.
- 20) લગ્ન પ્રસંગ પુરો થયા પછી વેવાણને મળવા આવવા જવાની પ્રથા બંને પક્ષ તરફથી સદંતર બંધ કરવામાં આવે છે.
- 21) ઉમરલાયક કન્યાને લગ્ન પછી પિયરમાં વધુ સમય રોકી રાખવી નહી.
- 22) ઉતરાયણના આંણામાં વધુમાં વધુ 5 જોડી થી વધારે કપડાં આપવા નહિ અને ટંકની જગ્યાએ શુટકેશ મુકી શકાશે ઉતરાયણના આંણામાં દિકરીના કુટુંબ તરફથી દિકરીના સાસરે ઓઢામણી તરીકે મોકલવામાં આવતી ઓઢણીઓ સદંતર બંધ કરવી.
- 23) લગ્ન પ્રસંગ પુરો થયા પછી વર-કન્યા બંને પક્ષોએ ઓછામાં ઓછી 1100/-રૂપિયાની પાવતી નજીકની શૈક્ષણિક સંસ્થામાં ફરજીયાત લેવી.
- 24) જાનમાં કપડાં ચેંજ કરવાનું રાખવું નહી અને બને ત્યાં સુધી જાનમાં મહિલાઓ મર્યાદિત સંખ્યામાં લઈ જવી.
- 25) કુંવારી દિકરીને મોબાઈલ આપવો નહિ પરંતુ શિક્ષણ માટે માતા પિતાના મોબાઈલનો ઉપયોગ કરી શકાશે અને દિકરા/દિકરી ને ઓછામાં ઓછું ધોરણ 12 સુધીનું શિક્ષણ પુરૂ પાડવું
- 26) વરપક્ષ તરફથી જાનના ઉતારે અપાતી રકમમાં એકસુત્રતા જળવાય તે હેતુથી 1500/-રૂપિયા ફિકસ રકમ આપવી.
- 27) જાનમાં વરઘડિયા પરણીને ઉતારે આવે ત્યારે ખોળામાં મુકવામાં આવતી રકમ 1100/-રૂપિયાથી વધુ મુકી શકાશે નહીં.
- 28) સગાઈ પ્રસંગે કન્યા ને પાટ પર બેસાડી ને કરવામાં આવતું ડેકોરેશન બંધ કરવું તથા તેની રિલ બનાવી સોશીયલ મીડીયામાં શેર કરવી નહી.
- 29) સગાઈ પ્રસંગે ટોપરા બાંધવા માત્ર પુરૂષોએ જ જવું મહિલાઓને સાથે તેડી જવી નહિ.
- 30) કોઈ પણ શુભ પ્રસંગે વેવાણ મળવા ત્યારે ઓઢામણું આપવાનું સદંતર બંધ કરવુ.
- 31) આંણા પ્રસંગે લેવાઈ તેડવા આવે ત્યારે વેવાઈ પાસેથી કસુંબા પેટે માત્ર 200/- રૂપિયા જ લેવા બાકીનો ખર્ચ ઘરઘણીએ ભોગવવો.
- 32) 11 વર્ષની ઉંમરે બાળકો ને યજ્ઞોપવિત ધારણ કરાવવી.
- 33) જન્મદિવસની ઉજવણીમાં કેક કાપી ડેકોરેશન કરવાની જગ્યાએ નજીકની શૈક્ષણીક સંસ્થા અથવા ગૌ શાળામાં યથાશકિત રકમની પાવતી લેવી.
- 34) શ્રીમંત પ્રસંગે બેબી શાવર અથવા કોઈ પણ પ્રકારનું ડેકોરેશન કરવું નહી બાળકના જન્મ પછી સ્વાગત ના નામે કરવામાં આવતી તમામ એન્ટ્રીઓ સદંતર બંધ કરવી તથા તેના વિડીયો સ્ટેટસ કે રિલ બનાવી સોશીયલ મિડીયામાં શેર કરવા નહી અને સાદાઈથી ગૃહપ્રવેશ કરાવવો અને નવજાત શીશુ માટે સગા વ્હાલા દ્વારા આપવામાં આવતા સોના ચાંદીના દાગીના બંધ કરી રોકડ રકમમાં વ્યવ્હાર કરવો તેમજ નવજાત શીશુની છઠ્ઠી દરમિયાન પરંપરાગત જુના રીત રીવાજ મુજબ છઠ્ઠી રાખવી તેનું ડેકોરેશન કે રિલ બનાવવી નહી.
- 35) ફોટોગ્રાફી માટે બને ત્યાં સુધી કેમેરામેન સમાજ સિવાય બહારની કોઈ પણ વ્યકિતને ઓર્ડર આપવો નહિ.
- 36) સમાજના કોઈ પણ યુવાનોએ નશાકારક કેફી પદાર્થ નું સેવન કરવું નહિ તેમજ કોઈ અસામાજીક પ્રવૃતીમાં ભાગ લેવો નહિ.
- 37) પોતાના બાળકોને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી બને ત્યાં સુધી સમાજની નજીકની શૈક્ષણીક સંસ્થામાં અભ્યાસ કરાવવો.
- 38) રમેળ પ્રસંગ આપણને શોભનીય નથી આપણે ગાયત્રી ના ઉપાસક છીએ છતાં કોઈને માંનતા હોયતો સાદાઈથી રમેળ કરવી રમેળમાં બહારના કોઇપણ કલાકાર બોલાવવા નહી અને ડિજે (DJ) રાખવું નહીં.
મામેરા પ્રસંગ
- 1) મામેરૂ વહેલી સવારે તેડાવવું અને વહેલી સવારે જવું.
- 2) મામેરૂ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી વધુમાં વધુ 6 લાખ 51 હજાર રૂપિયાથી વધારે કરવું નહિ.
- 3) મામેરામાં દિકરીના પરિવાર સિવાઈની એટલે કે ભાંણેજડાં સિવાઈની તમામ ઓઢામણીઓ ફરજીયાત રોકડ રકમમાં કરવી.
- 4) મામેરામાં બહેનના ઘરનું વળતું ઓઢામણામાં માત્ર સગા ભાઈને 200/-રૂપિયા આપી શકાશે.
- 5) જુજેણુ વધુમાં વધુ 1 લાખ રૂપિયાથી વધુ રકમનું કરવું નહિ.
મરણપ્રસંગ
- 1) મરણપ્રસંગે 70 વર્ષથી નીચેની ઉંમરની વ્યકિતનાં મરણ પાછળ કરવામાં આવતા બેધાન સદંતર બંધ કરવામાં આવે છે માત્ર ખીચડી કઢી રાખવાં અને 70 વર્ષથી મોટી ઉંમરની વ્યકિતનાં મરણ પાછળ બે ધાન મરજીયાત રહેશે તથા ખીચડીમાં ઘી વાટકીના બદલે વાડીથી આપવું જેથી ઘીનો બગાડ થાય નહીં.
- 2) મરણપ્રસંગે પથારીએ આપવામાં આવતી કાચી સાકર કે કોરી સાકર બંને સાકર સદંતર બંધ કરવામાં આવે છે ટુંકમાં પથારીએ થાળી ફેરવવી નહી.
- 3) મરણપ્રસંગે ટાંણું(તેરમાં) દિવસે રાખવું તેમજ નાની ઉંમરના મરણ પાછળ ટાંણુ અનુકુળતાએ રાખી શકાશે અને એકકે બે દિવસ નકકી કરી અનુકુળતાએ બેસણું રાખવું.
- 4) મરણપ્રસંગે રવિવારના દિવસે લોકાચાર જઈ શકાશે.
- 5) મરણપ્રસંગ પુરો થયા પછી રાખવામાં આવતો પુણો માસ સદંતર બંધ કરવામાં આવે છે.
- 6) મરણપ્રસંગે દાબડીના પૈસા અલગથી આપવાને બદલે શ્રધ્ધાજંલી સ્વરૂપ મૃતક નાફોટા આગળ મુકવા.
- 7) મરણપ્રસંગ પુરો થયા પછી આવતા પ્રથમ તહેવારે માત્ર બહેન દિકરી સિવાય સગાસબંધી ને તેડાવવા નહીં.
- 8) મરણપ્રસંગે ટાંણાના દિવસે સાથરાવાળી મહિલાઓને આપવામાં આવતી રોકડ રકમની આપ-લે સદંતર બંધ કરવી.
- 9) મરણપ્રસંગે ટાંણાના દિવસે કરવામાં આવતી નાત સદંતર બંધ કરવામાં આવે છે તેમજ ગંગાથાળી કરી શકાશે અને મા-બાપની હયાતીમાં ઉજમણું કરી શકાશે, ઉજમણું વહેલી સવારે તેડાવવું અને ઉજમણામાં જેનું ખર્ચ તેના ઘરની જ ઓઢામણી કાગળમાં લખવી.
- 10) મરણપ્રસંગે પાર કે છાજીયા લેવા નહીં.
- 11) મરણપ્રસંગે ટાંણાના દિવસે યથાશકિત મુજબ નજીકની શૈક્ષણિક સંસ્થામાં પાવતી લેવી.
- 12) મરણપ્રસંગે ટાંણાના દિવસે ઓઢામણી મૃતકના પરિવારે લેવી ખરી પરંતુ આપવી નહી.
- 13) લોકાચાર દરમિયાન મહિલાઓ દ્વારા વેવાઈના ઘરે સંભાળ તરીકે આપવામાં આવતી રોકડરકમ બંધ કરવામાં આવે છે જો કે કુંવાશી માટે છુટ-છાટ રહેશે.
બંધારણ ભંગ
- 1) દરેક ગામમાં વડીલો અને યુવાનોએ ભેગા મળી આજથી સાત દિવસમાં બંધારણ સંમિતિની રચના કરવી અને સમિતીમાં દરેક કુંટ દિઠ એક-એક સભ્યો લેવા અને નજીકની શૈક્ષણીક સંસ્થાના પ્રમુખ/મંત્રીને કમીટી રચનાની યાદી સોપવી.
- 2) બંધારણનું પાલન ન કરવાનાં કિસ્સામાં સમિતિના સભ્યો સમજાવટથી કામ લેશે છતાં પણ નિયમનું પાલન કરવામાં ના આવે તો ગામમાં કોઈ પણ કુંટુબીજનો નિયમભંગ કરનાર વ્યકિતના સારા-માઠા કોઈ પણ પ્રસંગે હાજરી આપી શકશે નહિ અને જો કુટુંબની કોઈ વ્યકિત સમિતિની ઉપરવટ થઈ ના પાડવા છતાં પણ હાજરી આપશે તો એ વ્યકિતને પણ બંધારણના નિયમભંગ હેઠળ ગુનેગાર ગણી લેવામાં આવશે અને આ અંગે ત્રણેય પરગણાંની કોર કમીટીને એટલે કે સમાજને જાણ કરવી અને કોર કમીટી આ બાબતે દંડ અથવા જે નિર્ણય લેશે તે બંધારણ સમિતિ અને જે તે ગામ લોકોને બંધનકર્તા રહેશે.
સામાજીક ન્યાય
- 1) સામાજીક ન્યાય માટે પીડીત વ્યકિતએ પોતાની ઘરે સમાજ તેડાવવા માટેકાગળ લખવા બોલાવવા નહી તેના બદલે નજીકની વાવ, થરાદ અને ભાભર બોર્ડિંગના પ્રમુખ/મંત્રી પાસેથી તારીખ મેળવી કોઈ પણ રવિવારે સવારમાં એક ટાઈમ માટે સમાજ બોલાવવાની રહેશે તથા સાદુભોજન રાખવું.
- 2) સમાજ બોલાવવા માટે પીડીત વ્યકિતએ સમાજ ના વડિલોને ફોનથી જાણ કરવાની રહેશેઆના માટે અલગથી ગાડીઓ મોકલવામાં આવશે નહી વડિલોએ પોતના સ્વખર્ચ હાજરી આપવાની રહેશે.
- 3) નાના મોટા સાટા પ્રથાના સગપણના કિસ્સામાં એક દિકરીને એક કે બે સંતાન હોય અને સામેવાળા સાટામાં લગ્ન/આંણુ કરવાની ના પાડે તેવા કિસ્સામાં પીડીત વ્યકિતએ નજીકની સંસ્થામાંથી તારીખઃમેળવી કોઈપણ રવિવારે સમાજ તેડાવાનો રહેશે સમાજ આ બાબતે ગુનેગાર વ્યકિત પાસેથી 21 લાખ રૂપિયા દંડ પેટે તથા 200 મણ બાજરી અને સમાજનું બીલસમાજ વસુલકરશેઆ દંડની રકમમાંથી સમાજ 25 % લેખે રકમ ત્રણેય પરગણાંની સંસ્થાઓ માટે સહિયારી રકમ સમાજ જમા રાખશે તથા અન્ય કાચુ સગપણ કે લગ્ન કરેલ સગપણ તોડવાના કિસ્સામાં સમાજ જે તે દિવસે ગુણદોષ ને આધારે દંડની રકમ નકકી કરીતેમાંથી પણ ૨૫% રકમ ત્રણેય પરગણાંની સંસ્થાઓમાટેસહિયારી રકમ સમાજ જમા રાખશે.
ખાસ નોંધ
આવા કિસ્સામાં ગુનેગાર વ્યકિત સગપણ છુટું કર્યા સિવાય બીજી જગ્યાએ દિકરી વળાવશે તો સગપણ કરાવનાર વચેટીયા સહિત દિકરીના પિતા પાસેથી 25 લાખ રૂપિયા દંડ સમાજ અલગથી વસુલ કરશે આવા દંડની તમામ 100% રકમ ત્રણેય પરગણાંની સંસ્થાઓ માટે સહિયારી સમાજ જમા રાખશે.
અમલીકરણ
- પરમ પુજય બ્રહ્મલીન સંત શ્રી આનંદ પ્રકાશ બાપુ ની ગુરૂગાદીની પવિત્ર ભુમિ એટા મુકામેથી રચાયેલ આ નવીન બંધારણનું અમલીકરણ તા.01.02.2026 થી અમલી બનશે તથા આ બંધારણના સુધારા વધારા માટે 2 વર્ષ બાદ પુનઃ સમીક્ષા કરવામાં આવશે.
- પરંતુ ફેબ્રુઆરી 2026 માસ માટે આવતા લગ્નની પત્રિકા અને ભોજન સમારંભના ઓર્ડર અપાઈ ગયા હોય તેવા સંજોગોમાં માત્ર આ બે નિયમ પુરતી જ છુટછાટ રહેશે તથા બાકીના નિયમ આજે તારીખ 01/20/2026 થી યથાવત લાગું પડશે.
- ઉપરોકત સમાજ બંધારણના તમામ નિયમો સાથેની પુસ્તિકા માં પરમ પુજય શ્રીઆનંદ પ્રકાશ બાપુ નું જીવન દર્શન તથા ત્રિકાળ સંધ્યા આવરી લઈ ત્રણેય પગગણાંના દરેક ગામની સંખ્યાને આધારે વિતરણ કરવામાં આવશે.
