Banakantha: આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ખાતે પધારવાના છે. વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ જન સુવિધાના આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. લાખણી ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં મંત્રીઓએ વિવિધ સરકારી વિભાગોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે મંત્રીઓએ જણાવ્યું કે, ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં આવનાર જનમેદની માટે પીવાના ઠંડા પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં છાંયડો અને આરોગ્યની તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. આ ઉપરાંત દૂર-દૂરથી આવતા નાગરિકો માટે એસ.ટી. બસોનું સુચારુ સંચાલન, વાહન પાર્કિંગ, રસ્તાઓનું સમારકામ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જણાવાયું હતું.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, PM મોદીનું આગમન હંમેશા ગુજરાત અને ખાસ કરીને આપણા સરહદી વિસ્તારના વિકાસ માટે ઉત્સાહનું નવું મોજું લઈને આવે છે. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ આ વિસ્તારમાં નર્મદાના નીરથી લઈને માળખાગત સુવિધાઓમાં જે ક્રાંતિ આવી છે, તેને કારણે જનતામાં અનેરો હર્ષ વ્યાપેલો છે.
લાખોની સંખ્યામાં ઉમટી પડનાર જનમેદનીને કાર્યક્રમ સ્થળે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દિવસ-રાત કાર્યરત છે. પીવાના પાણી, સુચારુ બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જેવી પાયાની બાબતો પર વ્યક્તિગત ધ્યાન આપીને આ મહોત્સવ દરેક નાગરિક માટે યાદગાર બની રહે તે મુજબ કામ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિ અને વિકાસની ગાથાને ઉજવવાના આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને સભા વ્યવસ્થાની સુરક્ષા અને સુવિધા સુધીની દરેક નાની-મોટી બાબતમાં વિશેષ કાળજી લેવામાં આવશે.
ખાસ કરીને છેવાડાના ગામડાઓમાંથી આવતા લોકો માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વડાપ્રધાનના આશીર્વચન સાંભળવા આવતા દરેક ભાઈ-બહેનને સુવિધા મળી રહે.
