Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તાજેતરમાં ફેલાતી અફવાઓના પગલે વહીવટી તંત્રએ તમામ નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. આ સાથે જરૂરીયાત કરતાં વધુ પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ ન કરવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં કુલ 199 પેટ્રોલ પંપો કાર્યરત છે અને તમામ પંપો પર નિયમિત પુરવઠો જળવાઈ રહ્યો છે. હાલની સ્થિતિએ જિલ્લામાં 31 લાખ લીટર કરતાં વધુ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, જે સામાન્ય વપરાશ માટે પૂરતો છે.
આ પણ વાંચો
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે અને પુરવઠામાં કોઈ અવરોધ ન આવે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. તંત્ર દ્વારા દરરોજ સ્થિતિની સમીક્ષા કરીને જરૂર મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.
વધુમાં કલેકટરે જણાવ્યું કે, જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ઉપાડમાં અસામાન્ય રીતે વધારો નોંધાયો છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ ત્રણ ગણો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કેટલાક નાગરિકો અફવાઓના પ્રભાવ હેઠળ અથવા ગભરાટના કારણે બિનજરૂરી રીતે વધુ ઈંધણ ખરીદી રહ્યા છે, જેના પરિણામે પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ સર્જાઈ રહી છે.
જિલ્લા કલેકટરે નાગરિકોને વિશ્વાસ આપ્યો છે કે, જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને આગળ પણ યથાવત્ રહેશે. તેથી નાગરિકોએ ગભરાટમાં આવીને કે અફવાઓને આધારે કોઈપણ પ્રકારની અતિશય ખરીદી ન કરવી તથા પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ટાળવી જરૂરી છે.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સહકાર આપવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અપીલ કરવામાં આવી છે. યોગ્ય માહિતી માટે માત્ર સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ રાખવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને અવગણવા વિનંતી કરવામાં આવી છે. તંત્ર પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખીને જિલ્લામાં પુરવઠો અવિરત જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.
