Banaskantha: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને રૂ.19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી. 'વિરાસત, વિકાસ અને વિશ્વાસ'ની આ પવિત્ર ધરતી પરથી પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જનતાને સમર્પિત કર્યા હતા. આ તકે વડાપ્રધાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
વિપક્ષને આડેહાથ લેતા વડાપ્રધાને જણાવ્યું કે, જ્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે વિપક્ષ ભય અને અફવા ફેલાવીને દેશને વહેંચવાનું કામ કરી રહી છે. વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધ રહેવું જોઈએ.
કઠિન સમય કેટલીય મુશ્કેલીઓ હોવા છતાં આપણા દેશના નાગરિકો એકતા સાથે ઊભા રહે છે. છેલ્લા કેટલાક સમયમાં તમે જોયું હશે કે વિશ્વના અનેક દેશો યુદ્ધ, અસંતોષ અને અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે.
ઊર્જાની જરૂરિયાતો જેમ કે ડીઝલ, પેટ્રોલ અને ગેસની અછત સમગ્ર દુનિયામાં વધી ગઈ છે. આવા સંકટમાં પણ ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. આ પાછળ દેશની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાનો મોટો ફાળો છે.
વૈશ્વિક કટોકટીમાં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિને કારણે ઇંધણના ભાવો અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. રાજકીય પાર્ટીઓ વૈશ્વિક સંકટના સમયમાં પણ પોતાનો રાજકીય લાભ મેળવવાના પ્રયત્નમાં વ્યસ્ત છે.
દેશને એકતા અને સહકારની જરૂર છે, ત્યારે વિપક્ષના નેતાઓ દેશને વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે દેશને વિશ્વાસ અને સહકારની જરૂર છે, ત્યારે ભય અને અફવાઓ ફેલાવવા પ્રયાસશીલ છે. જ્યારે દેશને સંયમ અને ધૈર્યની જરૂર છે, ત્યારે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે
સુરક્ષા અને વિકાસનો નવા અધ્યાયની ઐતિહાસિક સિદ્ધિ દર્શાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું છે. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક (Strategic) મહત્વ ધરાવે છે. આ એરબેઝથી વિકાસને નવી દિશા મળશે,
આ પ્રોજેક્ટ દાયકાઓથી ફાઇલોમાં દબાયેલો હતો કારણ કે તત્કાલીન દિલ્હી સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો જે આ સરકારે આ ફાઇલો બહાર કાઢી કામ પૂર્ણ કર્યું, જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વિકાસમાં વધારો થયો છે.
ઉત્તર ગુજરાત સાથેની આત્મીય નાતાની જૂની યાદો અને ભૂતકાળને વાગોળતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'બનાસકાંઠાનું કોઈ ગામ એવું નથી જ્યાં મારી યાદો ન જોડાયેલી હોય.' જૂના કાર્યકર્તાઓને જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો અને સ્વીકાર્યું કે, આ વિસ્તારના લોકોના સ્નેહ અને 'બાજરીના રોટલા-લસણની ચટણી'નો પ્રેમ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં, સાથે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે, આજે યુવા પેઢી પણ તે જ કુશળતા સાથે સંગઠનનું કામ સંભાળી રહી છે.
પ્રધાનમંત્રીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, 25 વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જે જવાબદારી જનતાએ તેમને સોંપી હતી, તેને આજે પણ 'મિશન મોડ'માં આગળ ધપાવવામાં આવી રહી છે.
'દાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તેનો હવે અંત આવ્યો છે. 2014 પછી ડબલ એન્જિન સરકારની તાકાત મળતા વિકાસની ગતિ બમણી થઈ છે. તેમણે આજે ઊર્જા, રોડ-રસ્તા, રેલવે અને હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલ આ વિકાસ પ્રકલ્પોથી આખા વિસ્તારની કાયાપલટ થશે અને સ્થાનિકોના જીવનધોરણમાં સુધારો આવશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સથી માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે.
વડાપ્રધાને રાજ્યમાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે માર્ગ અને રેલવે કનેક્ટિવિટીમાં થઇ રહેલા વિકાસ થકી આ વિસ્તારના ઉદ્યોગો અને ખેડૂતો માટે નવા દ્વાર ખોલાશે.
ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું કેન્દ્ર બની રહ્યું છે. ખાવડા સોલર પાર્ક દ્વારા 4 ગીગાવોટ વીજળી પેદા થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બનશે.
પાકા ઘરનું સપનું સાકાર થઇ રહ્યું છે આજે ગુજરાતમાં હજારો પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા ઘર મળ્યા છે. તેમણે આ પુણ્યના ખરા હકદાર જનતાના એક મતને ગણાવ્યો હતો.
ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં જે દુકાળ અને પાણીની તંગી હતી, તેને સુજલામ સુફલામ યોજના અને નર્મદાના પાણી દ્વારા દૂર કરી ખેતીને સમૃદ્ધ બનાવી હોવાનું તેમણે જણાવ્યું.
2005માં ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસ પહોંચાડવા માટે 'શહેરી વિકાસ વર્ષ'ની શરૂઆત કરાઇ હતી. તે સમયે તેનું બજેટ આશરે રૂ.650 કરોડ હતું, પરંતુ વિકાસનું ચક્ર એટલી ઝડપથી આગળ વધ્યું કે આજે આ બજેટ રૂ.33000કરોડથી વધુ થઈ ગયું છે.
આ જ દિશામાં, નવ નવી મહાનગર પાલિકાઓ માટે આશરે રૂ.2000–રૂ.3000કરોડના લગભગ 300 પ્રસ્તાવો મંજૂરી માટે આવ્યા છે. અને સાથે 72 નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવી છે.
ગુજરાત સરકારે આ વર્ષે જે બજેટ રજૂ કર્યું છે,જે રૂ.04 લાખ કરોડથી વધુનું છે. આ રકમ ગામ, કસ્બા અને શહેરોના કાયાકલ્પ માટે ખર્ચવામાં આવશે. જેનાથી રાજ્યની પ્રાથમિક અને માળખાકીય સુવિધામાં વધારો થશે તેમ જણાવ્યું હતું
