Loading...

Banaskantha: ધાનેરાના ખીચડીઘરમાં પ્રચંડ ધડાકા સાથે કુકર ફાટતા અફરાતફરી, સ્ટાફનો ચમત્કારિક બચાવ

ધાનેરા નગર પાલિકા નજીક એજ્યુફન સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા ખીચડીઘરમાં ધડાકો થતાં રસોડાની છતના પતરા પણ ઉડી ગયા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 16 Jan 2026 06:36 PM (IST)Updated: Fri 16 Jan 2026 06:36 PM (IST)
banaskantha-news-cooker-blast-in-khichadi-ghar-at-dhanera-675143
HIGHLIGHTS
  • સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ, બ્લાસ્ટથી રસોડું વેરવિખેર

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક સામાજિક સંસ્થા દ્વારા સંચાલિત રસોડામાં ધડાકા સાથે કુકર ફાટવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ રસોડામાં નુકસાન થયું છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધાનેરા નગર પાલિકાની નજીક સામાજિક સંસ્થા એજ્યુફન દ્વારા ખીચડીઘર ચલાવવામાં આવે છે. આ ખીચડીઘર દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ તેમના સગા ઉપરાંત નિરાધાર અને વૃદ્ધો સહિત જરૂરિયાતમંદો ભોજન પુરું પાડવામાં આવે છે.

આજે સવારે ખીચડીઘરમાં કુકરમાં કઠોળ બાફવા માટે મૂક્યું હતુ. આ સમયે અચાનક પ્રેશર વધી જતાં કુકર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યું હતુ. જેના પગલે ખીચડીઘરનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. તેમજ ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, રસોડાની છતનું પતરું પણ ઉડી ગયું હતુ. બીજી તરફ આ બનાવની જાણ થતાં નજીકમાં રહેલ નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ખીચડીઘરના સ્ટાફનો આબાદ બચાવ થયો છે, પરંતુ રસોડામાં બધુ વેરવિખેર થઈ જતાં આર્થિક નુક્સાન થયું છે.