Banaskantha: બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા પાલનપુર-આબુ હાઈવે પર આવેલા ઈકબાલગઢ નજીક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માંતેલા સાંઢ માફક ધસી આવેલી આઈસર ટ્રક સામેથી આવતી ઈનોવા સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક પાલનપુર-આબુ હાઈવે પર રોંગ સાઈડમાં કાળ બનીને ધસી આવેલ આઈસર ટ્રક અને સામેથી આવતી ઈનોવા કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈનોવા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જેના લીધે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસ અને 108નો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ દ્વારા JCBની મદદથી ઈનોવા કારના પતરાં ચીરીને તેમાં રહેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં રોંગ સાઈડમાં પુરપાટ આવતા આઈસર ટ્રકના કારણે અકસ્માત સર્જાયો હોવાનું અને તેના ડ્રાઈવરની બેદરકારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
