બનાસકાંઠા SOG અને્ ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબ રાજ્યના ગ્રેનેટ કેસમાં વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિસ્ફોટકોની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર વિસ્ફોટ કરાવવાનું કામ કરતો હતો. હાલ આરોપી થોડા સમયથી ડીસામાં ઢાબામાં છૂટક મજૂરી કામ કરી હોવાનું સામે આવ્યું છે. જેની આરોપીની ધરપકડ કરી એટીએસે વધુની તપાસ હાથ ધરી છે.
ડીસાના ઢાબામાંથી આરોપીની ધરપકડ
પંજાબ પોલીસ દ્વારા ગુજરાત ATSને વોન્ટેડ આરોપીની માહિતી શેર કરવામાં આવી હતી. જેની તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની વિગતો મળી હતી. ATSએ ટીમ બનાવી બનાસકાંઠા SOGની મદદ લઈને ડીસાના ઢાબામાંથી આરોપી બિક્રમજીતસિંઘની ધરપકડ કરાઈ હતી.
સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી શહેઝાદ ભટ્ટી સાથે મળીને ગ્રેનેટ સપ્લાય અને સુરક્ષા એજન્સી ઉપર ગ્રેનેટ દ્વારા વિસ્ફોટ કરાવવાનું કામ કરતો હતો. મળતી વિગતો મુજબ આરોપી પંજાબથી દૂર રહી કુખ્યાત શહેઝાદ ભટ્ટી માટે પંજાબના માણસોને ગેંગમાં જોડીને ભટ્ટીની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા એજન્સીના એકમો ઉપર હુમલો કરાવતો હોવાનું જાણવા મળ્યું છે.
ISI માટે કામ કરતો આરોપી
આરોપી ISI માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર હોવાનું સામે આવ્યું છે. જે પંજાબમાં ISI માટે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, તેમજ પોલીસ સ્ટેશન અને સુરક્ષા એજન્સી ખાતે ગ્રેનેટ મારફતે હુમલો કરાવી રહ્યો હતો. જે અંગે સ્પેશિયલ ઓપરેશન થતા અમૃતસરમાં ગુનો નોંધાયો છે. ત્યારે હવે આ ગુનામાં વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘની ધરપકડ કરીને પંજાબ પોલીસને આપવાની તજવીજ હાથ ધરાઈ છે.
