Banaskantha: ચૈત્રી પૂનમના પાવન અવસરે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માતા અંબાજીના મંદિરે વહેલી સવારે મંગળા આરતી યોજવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ માતાનો જયઘોષ કરતા મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

દર્શન માટે ભક્તોની લાંબી લાઈન
મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજે વહેલી સવારે માતાજીની મંગળા આરતી સંપન્ન કરી હતી. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી.
પગપાળા માઈભક્તો દર્શને આવે છે
દેશ-વિદેશમાં સુવિખ્યાત અંબાજી ધામ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. દરરોજ હજારો માઈભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, જેમાં પગપાળા સંઘોમાં માઈભક્તો અંબાજી આવે છે.
ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો
ચૈત્રી નવરાત્રીમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અંબાજી ખાતે પહોંચ્યા હતા. નવરાત્રી નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. હાલ માતાજીના ચાચર ચોકમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. તેમજ યજ્ઞશાળામાં હોમ હવન ચાલી રહ્યા છે. ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજી મંદિરમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો.
