Banaskantha News: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 16 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં 'આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની આંગણવાડીઓને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે વધુ આકર્ષક અને સુરક્ષિત બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રના અથાક પ્રયાસોથી અત્યાર સુધીમાં 1104 કેન્દ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે 1158 કેન્દ્રોમાં નવીનીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
ત્રિવેણી સંગમ: ગ્રાન્ટ, લોકભાગીદારી અને CSR ફંડ
આ નવીનીકરણ ઝુંબેશની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે લોકભાગીદારી અને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડનો પણ સમન્વય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
- બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કુલ 3365 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.
- તે પૈકી 2423 કેન્દ્રો પોતાના સરકારી મકાન ધરાવે છે.
- જેમાંથી 2297 કેન્દ્રોને આધુનિક બનાવવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે.
સમારકામ અને આધુનિક સુવિધાઓનું વિભાજન
આઈ.સી.ડી.એસ (ICDS) વિભાગ દ્વારા કામગીરીને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવી છે:
- 1) નાના સમારકામ: 671 આંગણવાડીઓમાં રૂ. 8,500ની ગ્રાન્ટ હેઠળ કામગીરી પૂર્ણ થઈ છે અને 1008 કેન્દ્રોમાં પ્રગતિ હેઠળ છે.
- 2) મોટા સમારકામ (Renovation): રૂ. 2.00 લાખની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ હેઠળ 10 કેન્દ્રો નવસાધ્ય થયા છે અને ૪૧ કેન્દ્રોમાં કામ ચાલુ છે.
- 3) વિશેષ નવીનીકરણ: અન્ય સરકારી ભંડોળ દ્વારા વધુ 5 આંગણવાડીઓને આધુનિક મોડેલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
માત્ર મરામત નહીં, ‘બ્યુટિફિકેશન’ પર ભાર
આ ઝુંબેશ માત્ર દિવાલો રંગવા પૂરતી સીમિત નથી, પરંતુ 25 જેટલા વિવિધ માપદંડોને આધારે આંગણવાડીઓનું ‘બ્યુટિફિકેશન’ કરવામાં આવી રહ્યું છે. જેમાં બાળકો માટે:
- પીવાનું શુદ્ધ પાણી અને આધુનિક શૌચાલયની સુવિધા.
- આકર્ષક અને શૈક્ષણિક વોલ પેઈન્ટિંગ (ચિત્રકામ).
- બાળકોના પોષણ માટે કેમ્પસમાં ‘પોષણ વાટિકા’ (Kitchen Garden) નું નિર્માણ.
- ઇન્ડોર અને આઉટડોર રમત-ગમતના સાધનોની વ્યવસ્થા.
વહીવટી તંત્રનો નિર્ધાર
બનાસકાંઠા ડીડીઓ એમ.જે. દવે, વાવ-થરાદ ડીડીઓ કાર્તિક જીવાણી અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જરના સીધા માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ 16 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોને આંગણવાડી પ્રત્યે આકર્ષિત કરવાનો અને તેમને રમતા-રમતા શિક્ષણ તેમજ પોષણક્ષમ આહાર મળી રહે તેવું વાતાવરણ પૂરું પાડવાનો છે. આગામી દિવસોમાં આ નવનિર્મિત આંગણવાડીઓ સરહદી જિલ્લાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.
