Loading...

બેલારૂસના તબેલામાં મજૂરી કરવા મજબૂર કરાઈ: નવસારીની મહિલા એજન્ટની ચુંગાલમાંથી છૂટી વતન પરત ફરી; 7 લાખ પરત મેળવવા કરી માંગ

બેલારૂસ પહોંચ્યા બાદ મીનાબેન સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. તેમને રાજધાની મિન્સ્કથી 400 કિલોમીટર દૂર એક અત્યંત પછાત ગામડામાં મોકલી દેવાયા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 25 Jan 2026 10:10 AM (IST)Updated: Sun 25 Jan 2026 10:10 AM (IST)
navsari-woman-stranded-in-belarus-returns-says-i-did-not-give-false-money-to-the-agent-i-should-get-my-money-679371

Navsari News: નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતા અને ત્રણ બાળકોના ભરણપોષણની જવાબદારી એકલે હાથે ઉપાડતા મીનાબેન જોષી માટે વિદેશ જવાનો નિર્ણય દુઃસ્વપ્ન સાબિત થયો છે. વડોદરાના એક એજન્ટે તેમને બેલારૂસમાં ફ્રૂટ પેકિંગની નોકરી અને માસિક રૂ. 80-90 હજારના પગારની લાલચ આપી હતી. આ લાલચમાં આવી મીનાબેને દાગીના ગીરો મૂકી અને લોન લઈને અંદાજે રૂ. 7 લાખ એજન્ટને ચૂકવ્યા હતા.

ફ્રૂટ પેકિંગના બદલે તબેલામાં કામ અપાયું

બેલારૂસ પહોંચ્યા બાદ મીનાબેન સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. તેમને રાજધાની મિન્સ્કથી 400 કિલોમીટર દૂર એક અત્યંત પછાત ગામડામાં મોકલી દેવાયા હતા. ત્યાં ફ્રૂટ પેકિંગના બદલે તેમને એક તબેલામાં પશુઓની સારસંભાળ અને મજૂરીના કામમાં ધકેલી દેવાયા હતા. ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહોતી અને રહેવા માટે માત્ર એક હોસ્ટેલ આપવામાં આવી હતી. તેમની સાથે ગયેલા અન્ય સાથીદારો બે-ત્રણ દિવસમાં જ ભાગી ગયા હતા, પરંતુ દેવું હોવાથી મીનાબેન ત્યાં રોકાયા હતા.

સોશિયલ મીડિયાના વીડિયોથી મળી મદદ

ત્યાંની પરિસ્થિતિથી કંટાળીને મીનાબેને મિન્સ્ક શહેર આવી છૂટક મજૂરી કરી પોતાનો ખર્ચ કાઢ્યો હતો. અંતે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા જણાવતો એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો નવસારી બ્રહ્મ સમાજના પ્રમુખ નરેશ ખેંગારજી પુરોહિત અને અન્ય સંગઠનોના ધ્યાને આવતા તેઓ સક્રિય થયા હતા. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને પોલીસ પ્રશાસનના સહયોગથી એજન્ટ પર દબાણ વધારવામાં આવ્યું, જેના પરિણામે એજન્ટે મીનાબેનને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરી હતી.

વતનમાં આવતા ભાવુક થયા

નવસારી પોતાના ઘરે પહોંચતા જ મીનાબેન પોતાના બાળકો અને માતાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, "મેં એજન્ટને કોઈ ખોટા પૈસા નથી આપ્યા, તો પછી મારે ત્યાં મજૂરી કેમ કરવી પડી? મારે મારા બાળકોનું ભવિષ્ય સુધારવું હતું પણ હવે હું રૂ. 7-8 લાખના દેવામાં ડૂબી ગઈ છું." મીનાબેને ચીમકી ઉચ્ચારી છે કે જો એજન્ટ તેમના પૈસા પરત નહીં કરે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે.

લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

નવસારી બ્રહ્મ સમાજના અગ્રણીઓએ અપીલ કરી છે કે કોઈ પણ એજન્ટની વાતોમાં આવીને તપાસ કર્યા વગર વિદેશ જવાનું જોખમ ન ખેડવું જોઈએ. મીનાબેને એ પણ ખુલાસો કર્યો કે ત્યાં તેમના જેવા અનેક ગુજરાતીઓ પોતાની જમીન અને ઘર વેચીને ગયા છે અને અત્યારે ત્યાં ફસાયેલા છે. આ કિસ્સો ફરી એકવાર 'હ્યુમન ટ્રાફિકિંગ' અને 'બોગસ એજન્ટો'ના નેટવર્ક સામે સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ પ્રશાસન આ છેતરપિંડી કરનાર એજન્ટ સામે કેવા પગલાં લે છે.