Loading...

નવસારીને મળ્યું પ્રથમ ફ્લાવર શોનું ગૌરવઃ જાણો શું છે વિશેષતા, 95 હજારથી વધુ ફૂલોથી ‘નવસારી’ શબ્દની આકૃતિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું છેકે, ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 25 Jan 2026 11:52 AM (IST)Updated: Sun 25 Jan 2026 11:52 AM (IST)
navsari-flower-show-2026-creates-guinness-world-record-spelled-with-95k-flowers-679426

Navsari Flower Show 2026: નવસારી શહેરને તાજેતરમાં તેના પ્રથમ ફ્લાવર શોનું ગૌરવ પ્રાપ્ત થયું છે, જેનું ઉદ્ઘાટન જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ દ્વારા શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજનમાં 95 હજારથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને ‘નવસારી’ શબ્દની આકૃતિ બનાવવામાં આવી હતી, જેને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન(Navsari Municipal Corporation) દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 10 લાખથી વધુ પ્લાન્ટ્સ સાથેનો આ ફ્લાવર શો, સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો છે.

શહેરી વિકાસ પર્વ 2025-26 સુશાસન પર્વની થીમ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ નવસારી શહેરમાં પ્રથમ વખત આયોજિત ભવ્ય ફ્લાવર શો(Navsari Flower Show)નું ઉદ્ઘાટન લુન્સીકુઇ મેદાન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું . આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે આ પ્રસંગે જણાવ્યું કે, સુશાસન પર્વ અંતર્ગત આયોજિત નવસારીનો પ્રથમ ફ્લાવર શો સરકારની વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત વિચારધારાનો ઉત્તમ ઉદાહરણ છે. પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોમાં સકારાત્મક વિચારધારા વિકસે તે દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશેઃ સી.આર. પાટીલ

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલુ આ આયોજન ખરા અર્થ માં પ્રશંસનીય છે. શહેરમાં આયોજિત પ્રથમ ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. આવનારા સમયમાં પણ આવા નવતર અને જનહિતલક્ષી કાર્યક્રમો દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવું જણાવ્યું હતું.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

નવસારી ફ્લાવર શોમાં 95,000થી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ “નવસારી” શબ્દની વિશાળ ફૂલ આકૃતિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Record) પ્રાપ્ત થયો છે. આ ઐતિહાસિક સિદ્ધિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાઈ છે, જેનાથી નવસારી શહેરને વિશેષ ઓળખ મળી છે. આ સિદ્ધિ બદલ મંત્રી સી.આર.પાટીલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તથા નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા .

ફ્લાવર શોનું આયોજન માત્ર સૌંદર્ય પ્રદર્શન પૂરતું સીમિત ન રહેતાં પર્યાવરણ જાગૃતિ, હરિત સંસ્કૃતિ અને સ્વચ્છ શહેરની કલ્પનાને પ્રોત્સાહન આપતું સાબિત થયું છે. શહેરના નાગરિકોમાં ફૂલછોડ અને વૃક્ષારોપણ પ્રત્યે રસ વધે તે હેતુથી આ ફ્લાવર શો સુશાસન પર્વની ભાવનાને વધુ સશક્ત બનાવે છે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત આયોજન, આધુનિક ડિઝાઇન અને કલાત્મક આયોજનથી તૈયાર કરાયેલ આ ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને પર્યટકો ફ્લાવર શોની મુલાકાત લઈ આ પ્રથમ ફ્લાવર શોને યાદગાર બનાવવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ , જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે , મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દેવ ચૌધરી,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા , વાંસદા પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય તથા અધિકારી હાજર રહ્યા હતા.

ફ્લાવર શો 2026ની વિશેષતા

  • નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદર્શનમાં કુલ 25 જાતના ફ્લાવર ક્રોપ તથા 40થી વધુ અલગ-અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે મુલાકાતીઓને આકર્ષિત કરશે.
  • ફ્લાવર શોમાં દેશ ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મની જેવા વિદેશી દેશોના ફૂલોથી તૈયાર કરાયેલ વિશેષ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે નવસારી માટે એક અનોખું અને ગૌરવભર્યું આકર્ષણ બની રહ્યું છે.
  • આ ફ્લાવર શોમાં ફૂલોથી તૈયાર કરાયેલ 8 ફૂટ બાય 49 ફૂટની વિશાળ ફૂલ દીવાલ પર “નવસારી” લખાણ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, વાઘ , સંસદ ભવન , નવસારીનું ઐતિહાસિક ટાવર સહિતની વિવિધ કલાત્મક આકૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ફ્લાવર શો નવસારી શહેરની સુંદરતા, સર્જનાત્મકતા અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.