Navsari: આમડપોર હાઈવે પર ડમ્પરે મોપેડને અડફેટે લીધુ, ટાયર નીચે કચડાઈ જતાં મહિલાનું ઘટના સ્થળે મોત

નવસારીના આમડપોર હાઈવે પર ડમ્પરની ટક્કરે મોપેડ પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. પતિના અવસાન બાદ પુત્રીની એકમાત્ર પાલક મૈત્રીબેન દેસાઈનું અકસ્માતમાં નિધન થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 20 Jun 2026 07:37 PM (IST)Updated: Sat, 20 Jun 2026 07:37 PM (IST)
navsari-news-woman-dies-after-dumper-truck-hits-moped-on-highway

Navsari: નવસારીના આમડપોર હાઈવે પર આજે બપોરના સમયે પુરપાટ જતાં ડમ્પરે મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ પરથી નીચે પટકાયેલી મહિલા પરથી ડમ્પરના ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

મોપેડ પરથી પટકાયેલ મહિલા ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગઈ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૈત્રીબેન દેસાઈ (41) આજે બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ નવસારીથી પોતાના સંબંધીને મળવા માટે કોડમાડા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આમડપોર હાઈવે પરથી પસાર થતી વખતે પુરપાટ ગતિએ આવતા ડમ્પરે તેમના મોપેટને જોરદાર ટક્કર મારી હતી.  

 ડમ્પરની ટક્કરથી મોપેડ પર સવાર મૈત્રીબેન હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. આ સાથે જ તેઓ ડમ્પરના પાછળના ટાયર નીચે આવી ગયા હતા. શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

આ ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કિશોરીએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી 

પ્રાથમિક તપાસમાં મૃતક મૈત્રીબેનના પતિનું 3 વર્ષ પહેલા જ અવસાન થયું હતુ. પતિના નિધન બાદ મૈત્રીબેન 16 વર્ષની દીકરી અને સસરા સાથે રહીને ઘરની જવાબદારી સંભાળતા હતા. મૈત્રીબેનના અવસાનથી 3 વર્ષમાં જ પિતા બાદ માતાની છત્રછાયા છીનવાઈ જતાં સગીર દીકરી અને પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.