Navsari: ગણદેવીમાં 14 વર્ષની દીકરીને દેહ અભડાવનાર પિતાની ધરપકડ, પોતાનું પાપ છુપાવવા ગર્ભ નિરોધક ગોળીઓ ગળવા આપી

ગત મહિને માતા નોકરી પર જતી, ત્યારે સળંગ ત્રણ દિવસ સુધી પિતાએ એકલતાનો લાભ લઈને દીકરી સાથે બળજબરીથી સબંધ બાંધ્યા અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 04 Jun 2026 08:14 PM (IST)Updated: Thu, 04 Jun 2026 08:14 PM (IST)
navsari-news-father-held-for-rape-on-teenage-daughter-in-gandevi
HIGHLIGHTS
  • નરાધમ પિતા બે વર્ષ પહેલા જ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો
  • પીડિતાની માતાએ પતિને આજીવન કેદ અને ફાંસીની સજાની માંગ કરી

મયુર ઠક્કર, Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પિતા-પુત્રીના પવિત્ર સબંધોને લાંછન લગાડતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિદેશથી પરત ફરેલા પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું છે.

આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ હિંમત દાખવીને ગણદેવી તાલુકા પોલીસ મથકમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર પિતાને દબોચી લીધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી પિતા આજથી બે વર્ષ પૂર્વે 2024માં જ દક્ષિણ આફ્રિકાથી વતન પરત ફર્યો હતો. અહીં તેણે પોતાની જ સગીર દીકરી પર દાનત બગાડી હતી.

અવારનવાર પિતા દીકરીને અડપલા કરતો હતો. ગત મહિને સગીરાની માતા નોકરી પર ગઈ હતી. આ સમયે ઘરે દીકરીની એકલતાનો લાભ લઈને પિતાએ મર્યાદા ઓળંગી હતી. પિતાએ 9 થી 11 મે દરમિયાન 3 દિવસ સુધી દીકરીની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર દેહ સબંધ બાંધ્યા હતા.

આટલું જ નહીં, પોતાનું પાપ છુપાવવા માટે પિતાએ પીડિત દીકરીને ગર્ભનિરોધક ગોળીઓ પણ ગળાવી હતી. તેમજ જો કોઈને આ બાબતે જાણ કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પિતાનું આ સ્વરૂપ જોઈને સગીર દીકરી આઘાતમાં સરી પડી હતી અને ગુમસુમ રહેતી હતી. આખરે 30 મેના રોજ દીકરીએ પોતાની માતાને આપવીતી જણાવી હતી.

આખરે દીકરી સાથે થયેલા આ ઘોર અન્યાય બાદ માતાએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના ગણદેવી પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તુરંત જ દુષ્કર્મ તેમજ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ મામલે ભોગ બનનાર બાળકીની માતાએ પોલીસ તંત્રની ત્વરિત કામગીરી અને સહયોગની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે સરકાર સમક્ષ ન્યાયની ગુહાર લગાવતા જણાવ્યું કે, 'મારી દીકરી પર ગુજારવામાં આવેલા અત્યાચાર બદલ આરોપીને માત્ર સાત વર્ષની સામાન્ય સજા ન મળવી જોઈએ. આવા નરાધમને આજીવન કેદ અથવા ફાંસીની સજા થાય અને આ સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અમને વહેલી તકે ન્યાય અપાવવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે.'