Navsari News Today Live (15 June 2026): નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
નવસારીમાં દબાણ હટાવવા પોલીસ અને પરિવાર વચ્ચે ઘર્ષણ
નવસારીના લુંસીકુઈ વિસ્તારમાં 50 વર્ષ જૂના મકાન પર તંત્રએ બુલડોઝર ફેરવતા પરિવાર અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પરિવારે વૈકલ્પિક આવાસની માંગ સાથે વિરોધ દર્શાવતા પોલીસે બળપ્રયોગ કરી તેમને ખસેડ્યા હતા. બીજી તરફ, ગાંધીનગરમાં આંજણા ચૌધરી સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં 300 કરોડના અંદાજિત ખર્ચે અત્યાધુનિક 'આંજણાધામ' અને યુવા સેન્ટરના નિર્માણની જાહેરાત કરી સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય લેવાયો છે. આ આયોજન હેઠળ ગામડે-ગામડે યુવા ટીમોનું ગઠન કરવામાં આવશે, જ્યારે ગાંધીનગરની બેઠકમાં સ્ટેજ વગરની બેઠક વ્યવસ્થા દ્વારા સમાજમાં સમાનતા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સરકારી કોલેજના મુલાકાતી વ્યાખ્યાતાઓના વેતનમાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત
ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા મુલાકાતી વ્યાખ્યાતાઓનું માસિક વેતન વધારીને 40,000 થી 50,000 રૂપિયા કરવા અને તેમની સેવાને સત્તાવાર શિક્ષણ અનુભવ તરીકે માન્યતા આપવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે. સંગઠનના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસીયાએ જણાવ્યું હતું કે NET, GSET અને Ph.D. જેવી ઉચ્ચ લાયકાત ધરાવતા આ અધ્યાપકોને હાલમાં મળતું વેતન મોંઘવારીના સમયમાં અપૂરતું છે. આ રજૂઆતમાં વ્યાખ્યાતાઓની કામગીરીને ભવિષ્યની કાયમી ભરતી પ્રક્રિયામાં યોગ્ય વેઈટેજ આપવાની પણ અપીલ કરવામાં આવી છે.
બીલીમોરામાં વારંવાર થતાં પાવર કટથી લોકો પરેશાન
બીલીમોરા શહેરમાં વારંવાર થતા અણધાર્યા પાવર કટ અને વીજ કંપનીની કથળતી સેવાઓને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી છતાં રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા યથાવત રહેતા નાગરિકો હવે કંપનીની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વીજ ધાંધિયાની સાથે બીલ ભરવાના કેન્દ્રો પર કામકાજના કલાકો મર્યાદિત હોવાથી શ્રમિકો અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેને પગલે હવે સેવાઓ સુધારવાની ઉગ્ર માગ ઉઠી છે.
નેશનલ હાઈવે પર સ્ટ્રીટ લાઈટો શરૂ કરાઈ, અકસ્માત ઘટવાની આશા
નેશનલ હાઈવે 48 પર આવેલા ઐંધલ ગામ નજીકના જોખમી કટ પર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે હાઈવે તંત્રએ આખરે સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરી છે. જંગલ ખાતા પાસેના આ પોઈન્ટ પર બંને તરફ 5-5 પોલ ઊભા કરવામાં આવ્યા છે, જેનાથી એસ.ટી. બસ સ્ટોપનો ઉપયોગ કરતા મુસાફરો અને વાહનચાલકોને રાત્રિના અંધારામાં થતા જોખમથી મોટી રાહત મળશે. સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆત બાદ 13 જૂનથી આ લાઈટો શરૂ કરવામાં આવતા હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે.
