Navsari News: નવસારીના જલાલપોર તાલુકાના એથાણ ગામે પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જમવામાં રોટલી નહીં બનાવવા બાબતે દંપતી વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાની હત્યા અને પિતા જેલમાં જતા તેમના પુત્રના માથેથી માતા પિતાનું છત્ર દૂર થયું હતું.
ઘણી વખત આવેશમાં આવીને લોકો એવું પગલું ભરે છે જેના કારણે આખી ઝિંદગી પસ્તાવવાનો વારો આવે છે અને આવું જ કંઈક નવસારી જિલ્લામાં બન્યુ છે. મળતી માહિતી મુજબ નવસારીના જલાલપોર તાલુકાના એથાણ ગામે આવેલા મોટા હળપતિ વાસમાં સુખા ગુલાબભાઈ હળપતિ (ઉ.38) પરિવાર સાથે રહે છે અને મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
સુખા ભાઈનો તેની પત્ની મનીષા બેન (ઉ.34) સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. પત્ની મનીષાબેનએ દાળ ભાત બનાવ્યા હતા પરંતુ રોટલી બનાવી ન હતી. અને રોટલી ન બનાવવા બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં રોષે ભરાયેલા પતિએ પત્નીને કુહાડીના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી
આ મામલે જલાલપોર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિને ઝડપી પાડ્યો છે. દંપતીને સંતાનમાં એક પુત્ર છે માતાની હત્યા અને પિતા જેલમાં જતા પુત્રના માથેથી માતા પિતાનું છત્ર દૂર થયું છે.
