NRI Tower Couple Death Case: તાજેતરમાં બોડકદેવના NRI ટાવરમાં થયેલા દંપતીના મૃત્યુ મામલે હવે નવો વળાંક આવ્યો છે. આત્મહત્યા કરેલ યશરાજસિંહ ગોહિલે પત્નીને ઈરાદાપૂર્વક ગોળી મારી હોવાના પુરાવાના આધારે પોલીસે તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં અગાઉ એવું સામે આવ્યું હતું કે, યશરાજસિંહના હાથે ગોળી છૂટતા પત્ની રાજેશ્વરીબાનું મોત થયું હતું.
ઈરાદાપૂર્વક હત્યા કરી હોવાનું થયું પુરવાર
આ મામલાની તપાસ દરમિયાન ફોરેન્સિક ટીમ અને ડોક્ટરો અભિપ્રાય આપ્યો હતો કે, રિવોલ્વરના ટ્રિગર પર એક લોક હોય, જે જાતે ખુલે નહીં. વધુમાં જોર લગાવીને ટ્રિગર દબાવ્યા વગર આકસ્મિક રીતે ગોળી છૂટે નહીં. એટલું જ નહીં, રાજેશ્વરીબાને માથામાં વચ્ચોવચ ગોળી વાગી હતી, અકસ્માતે આવું બનવાની શક્યતા નહીવત છે. આથી યશરાજસિંહે ઈરાદાપૂર્વક પત્ની રાજેશ્વરીબાને માથામાં પાછળના ભાગે ગોળી મારી હતી.
યશરાજસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો
ઝોન 1 DCP ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, યશરાજસિંહની રિવોલ્વરનું લાયસન્સ ભાવનગરનું હતું. રાજેશ્વરીબાને માથામાં વચ્ચોવચ ઈરાદાપૂર્વક તાકીને ગોળી માર્યાનો પ્રાથમિક અભિપ્રાય ફોરેન્સિક ટીમ અને ડોક્ટરોએ આપ્યો હતો. જેના આધારે યશરાજસિંહ વિરુદ્ધ રાજેશ્વરીબાની હત્યાનો ગુનો નોંધી તપાસ એ-ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટને સોંપી છે. જોકે, હાલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે અન્ય કોઈ રિપોર્ટ આવ્યા નથી.
આ પણ વાંચો
પોલીસ તપાસ અને કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર બંને મૃતકોના મોબાઈલ ફોન બેડરૂમમાંથી મળી આવ્યા, જેને તપાસ માટે FSL માં મોકલી આપ્યા છે. આ સાથે યશરાજસિંહ અને રાજેશ્વરીબા વચ્ચે 2 મહિનાના લગ્નગાળામાં શું બન્યું હતું તે જાણવા પોલીસ ટીમ પરિવાર, કુટુંબના સભ્યો, મિત્રો તેમજ સોસાયટીના સભ્યોની પૂછપરછ કરશે.
આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ અને તેમના પત્ની રાજેશ્વરીબાના મોત અંગે પોલીસે શું કહ્યું
પહેલા પત્નીનો સંપર્ક કરી માહિતી એકત્ર કરાશે
વધુમાં, યશરાજસિંહે પહેલા પત્નીથી 7 વર્ષ પહેલા છૂટાછેડા લીધા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેમાં યશરાજસિંહના છૂટાછેડા પાછળનું કારણ અને તેમની માનસિકતા જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. જે માટે યશરાજસિંહના પહેલા પત્ની અને તેમના પરિવારનો સંપર્ક કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
2 મહિના પહેલા જ યશરાજસિંહના થયા હતા બીજા લગ્ન
નોંધનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે હતા. તેમણે અગાઉ એક લગ્ન કર્યા હતા, તેમના પહેલા પત્ની ડોક્ટર હતા. જોકે, બાદમાં બંને વચ્ચે મનમેળ ન રહેતા 7 વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. 2 મહિના પહેલા જ યશરાજસિંહે રાજેશ્વરીબા સાથે લગ્ન કર્યા હતા.
