Ahmedabad Police on Shaktisinh Gohil Nephew Death: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે મોડીરાતે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબા ગોહિલના ગોળી વાગવાથી મોત થયા છે.
આ મામલે શહેરભરમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા, જે બાદ પોલીસે ઘટનાની કડીઓ જોડતી સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. પોલીસ તપાસ અને પરિવારના નિવેદન અનુસાર, આ દંપતી રાત્રે એક સગાને ત્યાં જમીને પરત આવ્યા બાદ પોતાની માતાને મળીને બેડરૂમમાં સુવા ગયા હતા.
થોડી વાર બાદ યશરાજસિંહ દોડતા તેમની માતાના રૂમમાં આવ્યા અને જણાવ્યું કે, "મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે તેને હોસ્પિટલ લઈ જવી પડશે. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી. 108 ના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી રાજેશ્વરીબાને તપાસ્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 108 ના કર્મચારી પોતાના કંટ્રોલ રૂમમાં પોલીસ મોકલવા માટે જાણ કરવા બેઠક રૂમમાં ગયા, તે દરમિયાન યશરાજસિંહે પોતાના બેડરૂમમાં જઈ માથાના ભાગે પોતાની જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસને આ અંગે અંદાજે 22 જાન્યુઆરીની રાત્રે 12:00 વાગ્યાની આસપાસ 112 નંબર દ્વારા જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, યશરાજસિંહ મરીન ટાઈમમાં સરકારી નોકરી કરતા હતા અને પ્રાથમિક માહિતી મુજબ રિવોલ્વર લાયસન્સ વાળી હતી. પત્ની રાજેશ્વરીબાને માથાના પાછળના ભાગે ગોળી વાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.
પોલીસે આ મામલે એફએસએલ (FSL), ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખીને તપાસ શરૂ કરી છે. બંને મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે હાલ એડી દાખલ કરી છે. આ ઘટના અકસ્માત છે કે હત્યા, તે પીએમ રિપોર્ટ અને ગોળી કયા એંગલથી વાગી છે તેની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટના સમયે ઘરમાં યશરાજસિંહના માતા હાજર હતા, જેમણે પોલીસને સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી છે. હાલમાં પોલીસે ગુનામાં વપરાયેલી રિવોલ્વર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
