Loading...

નવસારી મનપાના આઉટર વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ નેટવર્ક બનશે, 25 હજારથી વધુ નાગરિકોને થશે લાભ

નવસારીમાં નવા ડ્રેનેજ નેટવર્ક અને વોટર સપ્લાય નેટવર્કથી નાગરીકોને પીવાના પાણી અને આરોગ્યને લગતી સમસ્યાઓમાંથી રાહત મળશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 16 Jan 2026 02:31 PM (IST)Updated: Fri 16 Jan 2026 02:31 PM (IST)
navsari-municipal-corporation-outer-areas-water-and-drainage-network-at-cost-of-rs-112-crore-674996
HIGHLIGHTS
  • નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસરૂપી પહેલ
  • 112 કરોડ રૂપિયાનો પાણી પુરવઠા-ડ્રેનેજ પ્રોજેક્ટ 
  • નવસારીના 25 હજારથી વધુ નાગરિકોને થશે લાભ

Navsari Water Supply and Drainage Project: ગુજરાત સરકાર શહેરોના વિસ્તરણ સાથે નવા જોડાતા વિસ્તારોમાં પાણી પુરવઠો, ડ્રેનેજ પાઇપલાઇન, રોડ અને સ્વચ્છતા જેવી મૂળભૂત નાગરિક સુવિધા સુનિશ્ચિત કરી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા 112 કરોડ રૂપિયાનો પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.

આઉટર વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યા

ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરી 2025 ના રોજ નવસારીમાં મહાપાલિકા અમલી બની હતી, જેમાં અગાઉના નવસારી વિજલપોર પાલિકા વિસ્તાર સાથે નજીકના 4 ગામો એરુ, ધારાગીરી, દાંતેજ અને હાંસાપોરને સમાવી લેવામાં આવ્યા હતા. શહેરના આ આઉટર વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની અને ડ્રેનેજ લાઈનના અભાવના કારણે પીવાના પાણી અને ડ્રેનેજ લાઈનની ગંભીર સમસ્યા હતી. 

₹112 કરોડના ખર્ચે બનશે નવું પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્ક 

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આશરે રૂપિયા 112 કરોડના ખર્ચે એક નવું પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત સરકાર શહેરીકરણને વેગ આપવાની સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને વધારવા માટે પ્રતિબદ્ધ છે. 

25 હજારથી વધુ સ્થાનિક લોકોને લાભ થશે

આ પ્રોજેક્ટ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર નવી પાણી અને ડ્રેનેજ પાઇપલાઇન, ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી આધુનિક માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવશે. તેના કારણે 25,000થી વધુ સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા તેમજ ગંદા પાણીના નિકાલની સમસ્યા માંથી મોટી રાહત મળશે. ખાસ તો, બાળકોમાં આરોગ્યને લગતી સમસ્યાઓનો પણ અંત આવશે.

મનપા વિસ્તારના ચાર ગામોની માળખાકીય સુવિધામાં વધારો

નવસારીમાં પાણી પુરવઠા અને નવું ડ્રેનેજ નેટવર્ક માત્ર માળખાકીય સુવિધામાં સુધારો નહીં કરે, પરંતુ શહેરને સ્વચ્છ, સલામત અને આધુનિક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ સાબિત થશે. નવસારી મનપા વિસ્તારમાં જોડવામાં આવેલ ચાર ગામોમાં રોડ, લાઇટ, ડ્રેનેજ પાણીના નવા નેટવર્ક ઉપરાંત ગાર્ડન, તળાવનો વિકાસ કરી વિહારધામનું નિર્માણ, સિવિક સેન્ટર અને સફાઈ માટે ડસ્ટબીન વિતરણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ડ્રેનેજ, પાણી અને સ્ટોર્મ વોટરનું નેટવર્ક નાખવાની યોજના  

નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આ પ્રોજેક્ટ અંગે જણાવ્યું કે, “નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જોડાયેલા ચાર ગામોમાં ડ્રેનેજ, પાણી અને સ્ટોર્મ વોટરનું સમગ્ર નેટવર્ક નાખવાની યોજના બનાવવામાં આવી છે. પહેલા ચરણમાં આ ચાર ગામોમાં ડ્રેનેજ અને વૉટર સપ્લાયનું કામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયરેખા મુજબ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી લોકોને ટૂંક સમયમાં રાહત મળશે અને સુખાકારીમાં વધારો થશે.”

ગુજરાતની વિકાસયાત્રામાં ‘શહેરી વિકાસ વર્ષ’ સીમાચિહ્નરૂપ બન્યું

વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખત ‘શહેરી વિકાસ વર્ષ’ ની ઉજવણી કરી હતી. આ સાથે શહેરી વિકાસના પ્રયાસો વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પહેલ હાથ ધરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિકાસ યાત્રાને વેગ આપવા કટિબદ્ધ છે. આ જ કારણ છે કે તેમણે 20 વર્ષ બાદ 2025 ને પુનઃ એકવાર 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.