Navsari News Today (11 June 2026): નવસારીના આજના મહત્વના સમાચાર, વાંચો એક ક્લિકમાં

નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 11 Jun 2026 12:38 PM (IST)Updated: Thu, 11 Jun 2026 12:38 PM (IST)
navsari-latest-news-today-live-updates-on-11-june-2026

Navsari News Today Live (11 June 2026): નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.

વડાપ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ: બીલીમોરામાં 4399 દીવા પ્રગટાવી ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા વડાપ્રધાન બનતા નવસારી જિલ્લાના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાનના 4399 દિવસના શાસનના પ્રતીક રૂપે એટલી જ સંખ્યામાં દીવા પ્રગટાવીને ‘નમો’ (NAMO) આકૃતિ રચવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ પૂજન અને મહાઆરતી દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે બીલમોડા પુલનું નિર્માણ પૂર્ણતાના આરે, ટૂંક સમયમાં લોકાર્પણ

વાંસદા તાલુકાના બીલમોડા પાસે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા મહત્વના પુલનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1088 લાખના ખર્ચે તૈયાર કરાયેલો આ 2.50 કિલોમીટર લાંબો પુલ વર્ષો જૂના કોઝવેનું સ્થાન લેશે, જે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જતાં બંને રાજ્યો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કાયમી સુવિધાથી સરહદી વિસ્તારોમાં વેપાર-રોજગારને વેગ મળશે અને સ્થાનિક લોકોને ચોમાસામાં પડતી આરોગ્ય તેમજ પરિવહનની મુશ્કેલીઓનો કાયમી અંત આવશે.

બોરસીમાં સરકારી જમીન પરના 11 ગેરકાયદે ઝીંગા તળાવો પર તંત્રનું બુલડોઝર ફેરવાયું

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામે સરકારી જમીન પર ખડકાયેલા 11 ગેરકાયદે ઝીંગા તળાવોને વહીવટી તંત્રએ 3 દિવસની સઘન ઝુંબેશ બાદ જમીનદોસ્ત કરી કરોડોની જમીન ખુલ્લી કરાવી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ 8 જેસીબી મશીનોની મદદથી બ્લોક નં. 51 અને રી-સર્વે નંબર 56 પર વહીવટી મંજૂરી વિના થયેલા આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ કાફલા અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ તંત્રએ સરકારી મિલકત પચાવી પાડનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપ્યા છે.

નવસારી: ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧૦થી વધુ સ્કૂલ વાન ચાલકો દંડાયા

નવસારીના ગાંધી ફાટકથી એરૂ-ઈટાળવા માર્ગ પર બુધવારે RTO વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધરી ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડતા અને અનિવાર્ય ટેક્સી પાસિંગ ન ધરાવતા ૧૦થી વધુ સ્કૂલ વાન ચાલકોને દંડ્યા હતા. તપાસ દરમિયાન અનેક ખાનગી વાહનો કોમર્શિયલ પાસિંગ વિના જ વિદ્યાર્થીઓની જોખમી હેરફેર કરતા ઝડપાયા હતા, જેના પગલે અધિકારીઓએ સ્થળ પર જ મેમો ફાડી દંડની વસૂલાત કરી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ અભિયાન અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.