Navsari News Today Live (10 June 2026): નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
નવસારીમાં વરસાદી માહોલથી ગરમીમાં રાહત
નવસારી શહેરમાં મોડી રાત્રે સિઝનનો પ્રથમ વરસાદ પડતા લાંબા સમયથી પડતી અસહ્ય ગરમી અને બફારાથી નાગરિકોને મોટી રાહત મળી હતી. દિવસભરના આકરા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આશરે 10 મિનિટ સુધી હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદી માહોલ અને ઠંડા પવનને પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે વધુ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે.
નવસારીમાં પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ
નવસારીના મેયર અશોક ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે વહેલી સવારથી વોર્ડ નંબર 1 થી જલાલપોર સુધી ચાલી રહેલા પ્રિ-મોન્સૂન અને વિકાસલક્ષી કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન વરસાદી કાંસની સફાઈ અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપવા સાથે જલાલપોર સિવિક સેન્ટર ખાતે ફાયર ટેન્ડર અને શબવાહિની જેવી ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક વધારવા આદેશ કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે સ્પષ્ટ ચીમકી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેનાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
નવસારી: વરિષ્ઠ નાગરિકો માટે સ્ટેશન વિસ્તારમાં મફત વાહન સેવા શરૂ
નવસારી મહાનગરપાલિકાએ મંગળવારથી શહેરના રેલવે સ્ટેશન અને જલાલપોર ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક વાહન સેવાનો પ્રારંભ કર્યો છે. મેયર અશોક ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં શરૂ થયેલી આ સેવા રેલવે સ્ટેશન સિટી બસ પોર્ટથી રવિ દાણા ચણા સુધીના રૂટ પર કાર્યરત રહેશે. સ્ટેશન વિસ્તારમાં સતત રહેતી ભીડ અને રેલવે ફાટક બંધ રહેવાને કારણે વૃદ્ધોને પડતી ચાલવાની તકલીફ અને શારીરિક હાલાકીના કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવસારી: સાયબર ફ્રોડના 91 કરોડના વ્યવહારો ધરાવતા 43 મ્યુલ એકાઉન્ટ્સ ઝડપાયા
નવસારી સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ 91.54 કરોડ રૂપિયાની છેતરપિંડીના વ્યવહારોમાં વપરાતા 43 મ્યુલ એકાઉન્ટ્સ ઝડપી પાડી સુરતના લખવિંદર પાજી અને એરુના અક્ષય પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી બનાવટી આધાર અને પાન કાર્ડ સહિત અનેક બેંકોના ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે, જેનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાં મેળવવા માટે કરવામાં આવતો હતો. આ નેટવર્ક સાથે દેશભરની 110 થી વધુ ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવતા પોલીસે સરકારી દસ્તાવેજોમાં ચેડાની નવી કલમો હેઠળ વિવિધ બેંકોમાં તપાસ તેજ કરી છે.
અજરાઈ ગ્રામપંચાયતે શરતોના ભંગ બદલ રૂ.10.79 કરોડનું ટેન્ડર રદ કર્યું
ગણદેવી તાલુકાની અજરાઈ ગ્રામપંચાયતે તળાવ ઊંડું કરવા માટેનું રૂ.10.79 કરોડનું માટી ખોદાણનું ટેન્ડર નિયત સમયમર્યાદામાં નાણાં જમા ન કરાવવા બદલ રદ કર્યું છે. સૌથી ઊંચી બોલી લગાવનાર ઈજારદાર કે.કે. એન્ટરપ્રાઈઝ કુલ રકમના 25 ટકા એટલે કે રૂ.2,69,79,000 જમા કરાવવામાં નિષ્ફળ રહેતા પંચાયતે સામાન્ય સભામાં સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો. ઈજારદારે વધારાની મુદત માંગવા છતાં નિર્ધારિત રકમના બદલે માત્ર રૂ.25 લાખ જ જમા કરાવ્યા હતા, જેના કારણે હવે ગ્રામપંચાયત ટૂંક સમયમાં ફરીથી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે.
