Navsari News Today Live (9 June 2026): નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
નવસારીમાં 91.54 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બેની ધરપકડ
નવસારી સાયબર ક્રાઈમ પોલીસે જલાલપોરના એરુ વિસ્તારમાંથી બે શખ્સોની ધરપકડ કરી દેશભરના 110 ગુનાઓ સાથે જોડાયેલા 91.54 કરોડ રૂપિયાના મોટા આંતરરાજ્ય સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપી લખવિંદર સિંહ અને આદિત્ય પટેલ લોકોના દસ્તાવેજો પર મ્યુલ એકાઉન્ટ ખોલાવી છેતરપિંડીના નાણાં મેળવતા અને તેને કમિશન ધોરણે ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી અન્ય ગુનેગારોને મોકલી આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 43 ડેબિટ કાર્ડ અને 10 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 11 જૂન સુધીના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ગણદેવા-ખારેલ જંક્શન પર અકસ્માતો રોકવા ધારાસભ્યનો આદેશ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના એક્ઝિટ અને નેશનલ હાઇવે 48ને જોડતા ગણદેવા-ખારેલ જંક્શન પર વધતા અકસ્માતોને પગલે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ રવિવારે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે હાઈવે ઓથોરિટી અને RTOને માર્ગ પર સ્પીડ બ્રેકર, કોન્વેક્સ મિરર અને રેડિયમ રિફ્લેક્ટર જેવા સુરક્ષા સાધનો તાકીદે લગાવવા સૂચના આપી હતી. આ સાથે જ શાળા અને મંડળી જેવા ગીચ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરવા અને લાઇન માર્કિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવા આદેશ અપાયો છે.
નવસારી: બોરસી ગામે સરકારી જમીન પરના ૩ ગેરકાયદે ઝીંગા તળાવો તોડી પડાયા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામે સરકારી જમીન પર વહીવટી મંજૂરી વગર બનાવવામાં આવેલા ૩ ઝીંગા તળાવોને વહીવટી તંત્રએ ૫ જેસીબી મશીનોની મદદથી તોડી પાડ્યા છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને પ્રાંત અધિકારીની સંયુક્ત ટીમે બ્લોક નં. ૫૧ પર સર્વે હાથ ધરીને ગેરકાયદે કબજો દૂર કરી જમીન મુક્ત કરાવી હતી. પોલીસ અને ફિશરીઝ વિભાગના કાફલાની હાજરીમાં થયેલી આ કામગીરી બાદ તંત્રએ ચેતવણી આપી છે કે સરકારી જમીન પરના દબાણો વિરુદ્ધ આગામી દિવસોમાં વધુ કડક ઝુંબેશ ચલાવવામાં આવશે.
