Navsari News Today Live (8 June 2026): નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
નવસારીમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ, શાળાઓ ફરી ધમધમી
નવસારી જિલ્લામાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, જેમાં અંદાજે 1,050 શાળાઓમાં 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પરત ફર્યા હતા. વિવિધ સરકારી સ્કોલરશિપ યોજનાઓના લાભો સીધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં ઓનલાઈન હાજરી નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે. ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ 30 જૂન સુધી શાળાનો સમય સવારે 8:00 થી બપોરે 12:30 વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય લીધો છે.
બીલીમોરામાં 32 કરોડની સરકારી જમીન દબાણમુક્ત
બીલીમોરાના સિટી સર્વે વિસ્તારમાં અંદાજે 32 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણોને શનિવારે વહીવટી તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધરીને દૂર કર્યા હતા. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મહેસૂલ અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી 16 હજાર ચોરસ મીટરથી વધુ જમીન પર ચાલતા ઈંટના ભઠ્ઠા અને કાચા-પાકા મકાનોના બાંધકામ તોડી પાડ્યા હતા. જમીન મહેસૂલ કાયદાની કલમો હેઠળ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જમીનનો કબજો પરત મેળવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ હવે જાહેર જનતાની સુવિધાઓના નિર્માણ માટે કરવામાં આવશે.
નવસારીમાં 91.54 કરોડનું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું, બેની ધરપકડ
નવસારી સાયબર ક્રાઈમ પોલીસે એરુ વિસ્તારમાં ‘મ્યુલ હંટ ઓપરેશન’ હેઠળ દરોડો પાડી 91.54 કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી લખવિંદર સિંહ અને આદિત્ય પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી સામાન્ય લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે બનાવટી દસ્તાવેજોથી બેંક ખાતા ખોલાવતી હતી, જેનો ઉપયોગ દેશભરમાંથી સાયબર છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં જમા કરવા માટે થતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ ‘મ્યુલ એકાઉન્ટ્સ’ માં આવતા નાણાંને આરોપીઓ યુએસડીટી (ક્રિપ્ટોકરન્સી) માં રૂપાંતરિત કરી મુખ્ય ગુનેગારો સુધી પહોંચાડતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 43 ડેબિટ કાર્ડ, 23 બેંક દસ્તાવેજો અને 10 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આંતરરાજ્ય નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે.
ડૉન ગામમાં જળસંકટ: તંત્ર દ્વારા ટેન્કરથી પાણીનો પુરવઠો શરૂ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ડૉન ગામમાં ઉનાળાની શરૂઆતે સર્જાયેલી પાણીની અછતને પગલે વહીવટી તંત્રે ટેન્કર દ્વારા પુરવઠો પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને બુરથડા ફળિયામાં સ્થાનિક જળસ્ત્રોત સુકાઈ જતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા દરરોજ 10,000 લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ હંગામી રાહત વચ્ચે જિલ્લામાં પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે 866 કરોડ રૂપિયાના ખર્ચે તાપી-ડાંગ બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટનું કામ પણ પ્રગતિમાં છે, જે પૂર્ણ થતા 262 ગામોને સીધો લાભ મળશે.
